Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગેસની અછતને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક મહિનાનું લોકડાઉન જાહેર

સિરામિક એસો.ની બેઠકમાં ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણયઃ ૨૫૦ કારખાનાં બંધ થઈ ગયાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી, તા.૧૮ માર્ચ ૨૦૨૬ — મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવા પડે તેવી નોબત ઉભી થઇ છે. આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે ૫૦૦ જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અછત અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબીના સિરામિક કારખાનાઓમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. જેથી ધીમે ધીમે ૨૦૦ જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધુ ૫૦ જેટલા કારખાના બંધ થયા છે આમ ૨૫૦ જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આપી છે.મોરબીમાં સિરામિકના ૮૦૦ જેટલા કારખાના છે જેમાં અંદાજે ૪ લાખથી બંધ વધુ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળે છે. મોરબીમાં પેપર મીલના ૭૫ તેમજ ૨૦૦ જેટલા પોલીપેકના કારખાના જે પ્લાસ્ટિકના તોતિંગ ભાવ વધારાને કારણે બંધ થવાની કગાર પર છે.આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે જુદાજુદા ચારે ડિવિઝનના પ્રમુખની આગેવાની હેઠળ ઉદ્યોગોકારોની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ૫૦૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ખાસ કરીને મોરબીના સિરામિક ઉપયોગમાં ઇંધણ તરીકે જે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને ગેસની હાલમાં અછત હોવાથી અને તેના ભાવ પણ નિશ્ચિત ન હોવાથી ઉદ્યોગ ચાલુ રાખવો શક્ય નથી માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગને સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે.ત્યારબાદ જ્યારે ગેસ પૂર્વવત થશે અને તેના ભાવ નિશ્ચિત થાય ત્યારબાદ સીરામીક પ્રોડક્ટના નવા ભાવ સાથે સીરામીકનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે તેવું હાલમાં પ્રમુખ મનોજભાઈ એરવાડિયા પાસેથી જાણવા મળ્યું છે.મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીકના કારખાનામાં ગેસ ન મળવાના કારણે કારખાના ધડાધડ બંધ થઈ રહ્યા છે તેવી જ રીતે પેપર મિલ અને પોલિપેકના કારખાના પણ બંધ રહ્યા છે જેથી શ્રમિકોની રોજગારી છીનવાઈ રહી છે અને શ્રમિકોને હવે રોજગાર ન મળવાના કારણે તેઓ પોતાના વતન તરફ જવા લાગ્યા છે.મોરબી જિલ્લાના વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી એમપી, બિહાર, રાજસ્થાન વિગરે જેવા રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને રોજગાર ન મળવાના કારણે જે શ્રમિકો પોતાના વતન ભાગી રહ્યા છે તે હવે આગામી સમયમાં ક્યારે પાછા મોરબીમાં આવશે અને ક્યારે મોરબીમાં તે લોકોને રોજગાર મળશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.

Related posts

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે

Master Admin

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે નેશનલ લેવલ મૂટ કોર્ટ કોમ્પિટિશન-૨૦૨૬નું ભવ્ય સમાપન

Master Admin

ગુજરાત ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર

Master Admin

Leave a Comment

Translate »