Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ

૨૬ એપ્રિલના રોજ EVM થી મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી થશે

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી ૯૯૯૨ બેઠકો માટેની જાહેરાત : નવા OBC અનામત સાથે યોજાશે ચૂંટણી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૯૯૯૨ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને ૨૮ એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત ૪ કરોડ ૧૮ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
૬ એપ્રિલઃ ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે
૧૧ એપ્રિલઃ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૧૩ એપ્રિલઃ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે
૧૫ એપ્રિલઃ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ
૨૬ એપ્રિલઃ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે
૨૭ એપ્રિલઃ જો કોઈ કારણસર જરૂર પડે તો પુનઃ મતદાન (રી-પોલિંગ) થશે
૨૮ એપ્રિલઃ તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ
ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ
આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ ૯૯૯૨ બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.

મહાનગરપાલિકા (મનપા)ઃ જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની ૧૫ મનપાની કુલ ૧૦૪૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.
નગરપાલિકાઃ ૭ નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ ૮૪ નગરપાલિકાની ૨૬૨૪ બેઠકો માટે મતદાન થશે.
જિલ્લા પંચાયતઃ ૩૪ જિલ્લા પંચાયતની ૧૦૯૦ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ૨૪ જિલ્લા પંચાયતોની હદમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે ૯ માં કોઈ ફેરફાર થયો નથી.

તાલુકા પંચાયતઃ ૨૬૦ તાલુકા પંચાયતની ૫૨૩૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. ૧૦૯ તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ ૫૩ તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે.

આ ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને જીૈંઇ ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના ડેટા પ્રમાણેઃ
રાજ્યમાં નોંધાયેલા કુલ ૪ કરોડ ૪૦ લાખ મતદારોમાંથી ૪ કરોડ ૧૮ લાખ ૮૭ હજાર મતદારો મતદાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે.

કુલ મતદારોમાં ૨ કરોડ ૧૬ લાખ પુરુષો અને ૨ કરોડ ૨ લાખ મહિલા મતદારો છે.

જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં ૧.૧૦ કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં ૩૩.૬૬ લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં ૨.૭૫ કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.

ગુજરાત સરકારે હાલમાં જે ૮ નવી નગર પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની ૭ બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

Related posts

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ

Master Admin

હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

Reporter1

હોળી-ધૂળેટી પર્વે રાહદારીઓ કે વાહનો ઉપર રંગ નાંખવા પર પ્રતિબંધ મુકાયો

Master Admin

Leave a Comment

Translate »