Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો

માતા-પિતાની હાલત ગંભીર

ખીરુંના સેમ્પલ ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા : રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૬ એપ્રિલ ૨૦૨૬ –– અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી અનુસાર, ચાંદખેડાની મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિએ દાવો કર્યો કે, પહેલી એપ્રિલ સાંજે મારો દીકરો આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે તેને ઉલટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ બીમારી ઢોંસા ખાવાથી થઈ છે તેની જાણ ન હોવાથી મારી પુત્રવધૂ અને સાડા ત્રણ વર્ષની પૌત્રીએ પણ તે ખાધું હતું, જેથી તેમને પણ ઉલટીઓ થવા લાગી અને તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.

ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ગંભીર અસરને કારણે મારી અઢી મહિનાની નાની પૌત્રીનું અને ત્યારબાદ સાડા ત્રણ વર્ષની મોટી પૌત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અત્યારે મારો દીકરો અને પુત્રવધૂ બંને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. મારી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે. શોકમાં ગરકાવ દાદા ગૌરીશંકર પ્રજાપતિએ પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર પોતાની વહાલસોયી દીકરીઓ ન ગુમાવે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે, તેને ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે જમાવ્યું કે, તે દિવસે સાંજે અમારે ત્યાં બંને લોકો ખીરું લેવા આવ્યા હતા. અમે તેને ખીરું આપ્યું હતું. દિવસનું અમારે ૧૦૦થી ૧૨૫ કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને તે દિવસે બીજા અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ, ઘનશ્યામ ડેરીમાં જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી ૧૨.૫૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ચાર પેડલર પકડાયા

Master Admin

વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન: હર્ષ દવે દ્વારા મહત્વપૂર્ણ સંવાદ

Master Admin

સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે

Master Admin

Leave a Comment

Translate »