Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

કોંગ્રેસના ૧૮ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’

કોંગ્રેસના ૧૮થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતા વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બિનહરીફ કરવાના કાવાદાવા શરુ થતા કોંગ્રેસના ૧૮થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્વોએ અમારા લો-પ્રોફાઈલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછું ખેંચવા ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે. આ અન્વયે અમે ૧૮ જેટલા ઉમેદવારોને તા. ૧૫ના રોજ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, આવી વાત થાય છે પરંતુ, ભાજપને આવું કરવાનો સમય જ નથી.

આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નં. ૩,૭, ૧૫ સહિતના મોટાભાગના વોર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વોર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ, ન્યાય, સહયોગ આપે તે પણ સવાલ છે. કારણ કે સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે.

Related posts

આસામમાં ઉપરાછાપરી બે મોટા નેતાઓના રાજીનામા

Master Admin

ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’

Master Admin

ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું

Master Admin

Leave a Comment

Translate »