Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમદાવાદમાં સાત દિવસ યલો એલર્ટ જાહેર કરાયું

૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન

હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. જોકે, તે પહેલા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવા હવામાનની શક્યતા છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેર માટે હિટ એક્શન પ્લાન અંતર્ગત સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન ૪૩ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ૨૬મી તારીખે ૪૩ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારના રોજ ગુજરાતના પાંચ જિલ્લામાં ૪૦ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં ૪૦.૮, અમરેલીમાં ૪૦.૭, સુરેન્દ્રનગરમાં ૪૦.૫, ગાંધીનગરમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે સુરતમાં ૩૯.૮, વડોદરામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, પશ્ચિમી વિક્ષેપ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે રચાયો હતો, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ઉપર છે. તે ગઈકાલે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને નજીકના પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી ઉપર છે. ટ્રફ દક્ષિણપૂર્વ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધીનો ટ્રફ સુધી ફેલાયેલું છે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય; પછીના ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૨૪ અને ૨૫ એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૩મીથી ૨૯ એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ સુધી રહેવાની શક્યતા છે. શહેરીજનોને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. એએમસીએ લોકોને અપીલ કરી છે કે, બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવી. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થો જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું. તાજા ફળો અને શાકભાજી ખાવા, જ્યારે તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો. ચા, કોફી અને સોડાવાળા પીણાંનું ઓછું સેવન કરવું. બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફનો ઉપયોગ કરો તથા આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા. લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને કામ દરમ્યાન વિરામ લઈ ઠંડકવાળા સ્થળે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. લૂ લાગવાના લક્ષણોમાં વધારે પરસેવો, નબળાઈ, માથાનો દુખાવો, ચક્કર, ચામડી લાલ-સુકી થવી, સ્નાયુ દુખાવો, ઉબકા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.

Related posts

પ્લેટોસ યુથ નેટવર્ક અમદાવાદમાં તેનું પ્રથમ PYN એક્વિલા સર્કલ શરૂ કરે છે

Master Admin

કોંગ્રેસના ૧૮ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

Master Admin

અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

Reporter1

1 comment

Brooklyn4304 April 24, 2026 at 1:16 pm Reply

Leave a Comment

Translate »