ભારતની તિજોરી છલકાઇ
ગયા વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૨૫માં GST કલેક્શન ૨.૨૩ લાખ કરોડ નોંધાયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે ૮.૭%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧ મે ૨૦૨૬ — જ્યારે આખું વિશ્વ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે આર્થિક મંદીની આશંકા સેવી રહ્યું છે, ત્યારે ભારતે આર્થિક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૬માં ભારતનું કુલ જીએસટી (GST) કલેક્શન ૨.૪૩ લાખ કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ આંકડો ભારતીય અર્થતંત્રની મજબૂત ગતિ અને વ્યવસાયિક સ્થિરતાનો પુરાવો આપે છે.
ગયા વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૨૫માં GST કલેક્શન ૨.૨૩ લાખ કરોડ નોંધાયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે ૮.૭%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રીફંડની ચૂકવણી બાદ જો ચોખ્ખી GST આવકની વાત કરીએ તો તે ૨.૧૧ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષ કરતા ૭.૩% વધુ છે. નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં જે કલેક્શન થાય છે તે વાસ્તવમાં માર્ચ મહિનાની આર્થિક પ્રવૃત્તિઓ દર્શાવે છે.ડેટાના વિશ્લેષણ મુજબ, આ વર્ષે કુલ વૃદ્ધિમાં વિદેશી વેપારનો ફાળો ઘણો મોટો રહ્યો છે. આયાત પરના GSTમાંથી થતી આવકમાં ૨૫.૮%નો મોટો ઉછાળો આવ્યો છે, જે વધીને ૫૭,૫૮૦ કરોડ થઈ છે. જ્યારે સ્થાનિક વ્યવહારોમાંથી થતી આવક વાર્ષિક ધોરણે ૪.૩% વધીને ૧.૮૫ લાખ કરોડ નોંધાઈ છે. આ આંકડા સૂચવે છે કે સ્થાનિક માંગની સાથે સાથે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ વેગ પકડી રહ્યો છે.
આ રેકોર્ડબ્રેક કલેક્શન એવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ’ભડકો’ થયો છે. ૩૦ એપ્રિલ સુધીમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $126 ને પાર કરી ગયું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધી અને સપ્લાય ચેઈનમાં અવરોધ છતાં ભારતની આર્થિક પ્રગતિ વણથંભી રહી છે.
સરકાર દ્વારા રીફંડની પ્રક્રિયામાં પણ તેજી જોવા મળી છે. કુલ રીફંડ ૧૯.૩% વધીને ૩૧,૭૯૩ કરોડ ચૂકવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, નવા નાણાકીય વર્ષની આ શરૂઆત અત્યંત આશાસ્પદ છે અને તે આગામી સમયમાં ભારતની GDP વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ રેકોર્ડ કલેક્શનથી સરકારને વિકાસલક્ષી યોજનાઓ માટે વધુ નાણાકીય બળ મળશે.

