Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કારીગરો પર છટણીની તલવાર! જ્વેલરી બજારમાં ભારે હડકંપ

PMની અપીલથી વેપારીઓમાં ડરનો માહોલ

પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલથી જ્વેલર્સ ઈન્ડસ્ટ્રી ચિંતામાં, લગ્ન સિઝનમાં માંગ ઘટવાની આશંકા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ મે ૨૦૨૬ — પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ મેએ હૈદરાબાદમાં જનસભા દરમિયાન દેશવાસીઓને અપીલ કરી હતી કે ૧ વર્ષ સુધી સોનું ખરીદો નહીં. પીએમ મોદીની આ અપીલે જ્વેલરી માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. દિલ્હી સહિત દેશભરમાં જ્વેલરી વેપારી, ઝવેરીઓ અને નાના કારોબારીઓ આ અપીલથી ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યાં છે.

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બૃજેશ ગોયલે આ મુદ્દા પર વિસ્તારથી વાત કરતા જણાવ્યું કે અપીલ સામે આવતા અનેક વેપારીઓએ તેમનો સંપર્ક કર્યો અને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ગોયલે કહ્યુ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને આ સમયે પ્રધાનમંત્રીની અપીલથી ઘરેણા અને જ્વેલરીની માંગમાં ભારે ઘટાડાની આશંકા છે.

ભારત ચીન બાદ દુનિયામાં બીજો સૌથી મોટો સોનાનો ઉપભોક્તા દેશ છે. CTI અનુસાર દેશમાં દર વર્ષે આશરે ૭૦૦થી ૮૦૦ ટન સોનાનો વપરાશ થાય છે. બૃજેશ ગોયલનું કહેવું છે કે પીએમ મોદીની આ અપીલ બાદ સોનાનો વપરાશ ૮૦૦ ટનથી ઘટી ૫૦૦ ટન સુધી રહી શકે છે.

CTI ચેરમેને ચેતવણી આપતા કહ્યું કે જો એક વર્ષ સુધી સોનાનું વેચાણ પ્રભાવિત થાય તો નાના જ્વેલર્સ, ઝવેરીઓ અને કામદારોને પગાર આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેવામાં ઘણી જગ્યાએ છટણી કરવી પડી શકે છે. જ્વેલર્સનું માનવું છે કે આ પ્રકારના આહ્વાનથી ગ્રાહકોના મનમાં ડરનો માહોલ બની જાય છે, જેના કારણે સોનાનું વેચાણ ખાસ કરી લગ્નની સિઝનમાં ઘટી શકે છે.

CTI મહાસચિવ ગુરમીત અરોડા અને રમેશ આહૂજાએ કહ્યુ કે સોનું માત્ર એક ધાતુ કે રોકાણનું સાધન નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. લગ્નમાં ઘરેણા લગભગ ફરજીયાત માનવામાં આવે છે. તેથી આ અપીલ જ્વેલરી ઈન્ડસ્ટ્રીની સાથે-સાથે સામાન્ય લોકો માટે પડકારજનક સમય પેદા કરી શકે છે. CTI અનુસાર ટાઇટન, સેનકો ગોલ્ડ, કલ્યાણ જ્વેલર્સ જેવી મુખ્ય લિસ્ટેડ જ્વેલરી કંપનીઓના શેર પર પણ આ અપીલની નકારાત્મક અસર પડી છે. આજે ઘણી જ્વેલર્સ કંપનીઓના શેરની કિંમતમાં ઘટાડો થયો છે.

Related posts

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ફાટી નીકળેલી હિંસામાં ૪ લોકોના મોત

Master Admin

૪૪ હજાર મેટ્રિક ટન LPGલઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

Master Admin

કૈલાશ માનસરોવર યાત્રા પર નીકળેલા અનેક ભારતીય નાગરિકો નેપાળમાં અટવાયા

Master Admin

Leave a Comment

Translate »