Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભાવ વધારાની અસરના કારણે બીજી અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે

ઝડપથી વેચાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્‌સની મોટી કંપનીઓએ પહેલેથી જ ખર્ચાના દબાણ અંગે ચિંતા જતાવવાનું શરૂ કરી દીધું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ મે ૨૦૨૬ — પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલમાં જ લગભગ ૩ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આ ભાવ વધારો ખાલી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સુધી જ સીમિત રહેશે તો તમારી ભૂલ છે. કારણ કે આ ભાવ વધારાની અસરના કારણે બીજી અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

રોજબરોજના વપરાશવાળી અનેક ચીજોથી લઈને તમારું માસિક ગ્રોસરી બિલ પણ વધી શકે છે. કારણ કે લોજિસ્ટિક ખર્ચો પણ વધશે. વિશેષજ્ઞો અને FMCG કંપનીઓ પણ ચેતવણી આપી રહી છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત અસ્થિરતા અને વધતા લોજિસ્ટિક ખર્ચાના કારણે રોજબરોજના વપરાશની વસ્તુઓના ભાવ ધીરે ધીરે વધી શકે છે. જેની અસર તમારા ઘરના બજેટ, કરિયાણાના બિલ અને રોજબરોજની સેવાઓ પર જોવા મળી શકે છે.

ઝડપથી વેચાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્‌સ (FMCG)ની મોટી કંપનીઓએ પહેલેથી જ ખર્ચાના દબાણ અંગે ચિંતા જતાવવાનું શરૂ કરી દીધુ છે. બિસ્કિટ, સ્નેક્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ખાદ્ય તેલ, પેકેટબંધ ફૂડ પ્રોડક્ટ્‌સ અને ડ્રિંક પ્રોડક્ટ્‌સ જેવા ઉત્પાદનો લોજિસ્ટિક નેટવર્ક પર ઘણું નિર્ભર કરે છે. ઓપેરશન કોસ્ટનો ૬ થી ૧૦ ટકા ભાગ લોજિસ્ટિકમાં ખર્ચાય છે. આથી ડીઝલના ઊંચા ભાવ તેના ખર્ચા વધારી શકે છે.

દૂધ અને દૂધ પ્રોડક્ટ્‌સ : દૂધના ભાવમાં પહેલેથી જ ભાવ વધારાના સંકેત મળી રહ્યા હતા. અમૂલ અને મધર ડેરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે. જેનું આંશિક કારણ પરિવહન અને પરિચાલન ખર્ચામાં વધારો જણાવવામાં આવ્યો છે. હવે દૂધના ભાવ વધવાથી દૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસક્રીમના ભાવ પણ વધી શકે છે.

શાકભાજી, ફળો અને કરિયાણું : ભારતની ફૂડ આપૂર્તિ ચેન મોટાભાગે રોડ પરિવહન પર નિર્ભર કરે છે. શાકભાજી, ફળ, અનાજ, દાળો, પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્‌સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લોજિસ્ટિક ખર્ચો વધી જાય છે. આવામાં ડીઝલના ભાવ વધવાથી માલની હેરફેરમાં થતો ખર્ચો વધે છે. જેને મોટાભાગે સપ્લાય ચેનના માધ્યમથી ગ્રાહકો પર ઝીંકવામાં આવે છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો ફ્યૂલના ભાવ લાંબા સમય સુધી ઉથલપાથલમાં રહે તો રસોડાના બજેટ પર મોંઘવારીનું દબાણ વધી શકે છે.

ખેતીવાડી ખર્ચામાં વધારો : ખેડૂત મુખ્યત્વે ડીઝલથી ચાલતા ઉપકરણો પર નિર્ભર હોય છે જેમ કે ટ્રેક્ટર, સિંચાઈ પંપ, પાક લેવા માટેની મશીનરી, પરિવહન વાહન વગેરે સામેલ છે.

ડીઝલના વધતા ખર્ચાથી કૃષિ ખર્ચો વધે છે. સમય સાથે કૃષિમાં થતા ખર્ચામાં વધારાના કારણે ગ્રાહકો સુધી પહોંચતી ફૂડ પ્રોડક્ટ્‌સના ભાવ વધે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ઈંધણના ભાવ ઊંચા રહેશે તો ગ્રામીણ પરિવારો પર તેની અસર વધુ પડી શકે છે.

ઓનલાઈન ડિલીવરી અને ઈ કોમર્સ સેવા : ફૂડ ડિટેલ પ્લેટફોર્મ, કૂરિયર કંપનીઓ અને ઓનલાઈન શોપિંગ કંપનીઓ લોજિસ્ટિક નેટવર્ક પર કામ કરે છે. ફ્યૂલના વધતા ભાવથી અંતિમ મીલનો ડિલિવર ખર્ચ વધી જાય છે. આ વધારામાં ડિલિવરી ખર્ચમાં વધારો, છૂટની કમી, મિનિમમ ઓર્ડર પ્રાઈસમાં વધારો અને એક્સ્ટ્રા સર્વિસ ટેક્સ સામેલ છે.

રોજબરોજના વપરાશની વસ્તુઓ : સાબુ, શેમ્પુ, ડિટર્જન્ટ, સફાઈ કામ માટે તથા વ્યક્તિગત દેખભાળ સહિતની વસ્તુઓના ભાવ વધી શકે છે.

એફએમસીજી કંપનીઓ મોટાભાગે અચાનક ભાવમાં વધારો કરવાની જગ્યાએ સંતુલિત મૂલ્ય નિર્ધારણ રણનીતિઓનો ઉપયોગ કરે છે. આવામાં ફ્યૂલની કિંમતોમાં વધારાથી આ ચીજોના ભાવમાં વધારો થઈ શકે છે.

હેરફેરનો ખર્ચો : ટેક્સીનું ભાડું, બસ મુસાફરીનો ખર્ચો, કૂરિયર સેવાઓ, રિટેલ સપ્લાય ચેન, અને કન્ઝ્યૂમર ચીજોના ભાવ વધી શકે છે.

Related posts

‘ગુરુ’ સાથે પ્રગતિ કરો શરૂ: ભારતના રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ખાસ તૈયાર કરવામાં આવેલો સ્વિગીનો 24×7 એઆઈ બિઝનેસ પાર્ટનર

Master Admin

NEET-UGની પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Master Admin

શેર બજારમાં મોટો ઘટાડો! સેન્સેક્સ ૫૧૬ પોઈન્ટ તૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »