ચારુસેટ યુનિવર્સિટીની અનોખી પહેલ
પાયે આ પ્રકારની ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરનારી ચારુસેટ ગુજરાતની પ્રથમ સંસ્થાઓમાંની એક બની ગઈ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯ મે ૨૦૨૬ — ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે દેશની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ આજે પણ પરંપરાગત રીતે કાગળ અને પેન આધારિત લેખિત પરીક્ષાઓ પર નિર્ભર છે, ત્યારે ચારુસેટ યુનિવર્સિટીએ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ પરીક્ષા પ્રણાલી અપનાવીને ગુજરાતમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. મોટા પાયે આ પ્રકારની ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરનારી ચારુસેટ ગુજરાતની પ્રથમ સંસ્થાઓમાંની એક બની ગઈ છે.
ચારુસેટની પેપરલેસ પરીક્ષાઓ તરફની આ સફર વર્ષ ૨૦૧૯માં શરૂ થઈ હતી, જ્યારે યુનિવર્સિટીએ ડિજિટલ પરીક્ષાના ક્ષેત્રમાં કામ કરતી સિંગાપોર સ્થિત સંસ્થા ’લિટલમોર ઇનોવેશન લેબ્સ’ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી હેઠળ, યુનિવર્સિટીમાં એક એવું એડવાન્સ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું જેણે છાપેલા પ્રશ્નપત્રો અને હાથથી લખાયેલી ઉત્તરવહીઓનો અંત આણ્યો છે.
શરૂઆતમાં આ સિસ્ટમનો પ્રયોગ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યો હતો. તેની સફળતા બાદ, આ સિસ્ટમને તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવી અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી યુનિવર્સિટીની તમામ આંતરિક અને બાહ્ય પરીક્ષાઓ સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં લેવાનું શરૂ કરાયું છે.યુનિવર્સિટીની આ પહેલ પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પરંપરાગત પરીક્ષાઓમાં દર વર્ષે લાખો ટન કાગળનો વપરાશ થાય છે, જેના કારણે કુદરતી સંસાધનોનો ભારે બગાડ થાય છે. પેપરલેસ પ્રોસેસ અપનાવ્યા બાદ, ચારુસેટ યુનિવર્સિટી હવે વાર્ષિક અંદાજે ૨૪ મિલિયન (૨.૪ કરોડ) કાગળના શીટ્સની બચત કરી રહી છે. આનાથી દર વર્ષે લગભગ ૬૫૦ વૃક્ષો કપાતા બચશે અને વાતાવરણમાં આશરે ૨૫,૦૦૦ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન ઘટશે.
ટેબ્લેટ પર પરીક્ષા અને ડિજિટલ મૂલ્યાંકન
આ નવી ડિજિટલ સિસ્ટમે પરીક્ષા આપવા અને લેવાના અનુભવને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવ્યો છેઃ
પેપર લીક થવાનો ભય નહીંઃ ક્લાઉડ-બેઝ્ડ સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્રો સીધા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતા હોવાથી પેપર લીક થવાનું જોખમ બિલકુલ નાબૂદ થયું છે.
સ્માર્ટ ટેકનોલોજીઃ વિદ્યાર્થીઓ ટેબ્લેટનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબો લખે છે, જેમાં ઓટોમેટિક આન્સર સેવિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ઝડપી પરિણામઃ પ્રોફેસરો પણ આ ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરે છે, જેથી પરિણામો વધુ સચોટ, પારદર્શક અને ખૂબ જ ઝડપથી જાહેર કરી શકાય છે.
ચારુસેટ યુનિવર્સિટીનો કાગળ આધારિત પરીક્ષાઓમાંથી ડિજિટલ મૂલ્યાંકન તરફનો આ બદલાવ તેમની નવીનતા, પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

