Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ફરી યુદ્ધના અણસાર? અમેરિકા અને ઈરાનના સામસામે હુમલા

ખાડી દેશોમાં સાયરન વગાડી લોકોને છુપાઈ જવા નિર્દેશ

વહેલી સવારે કુવૈત અને બહેરીનમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૬ જૂન ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સીઝફાયરની ચર્ચાઓ અંગે વિરોધાભાસી નિવેદનો આપ્યાના ગણતરીના દિવસોમાં જ, શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઈરાને એકબીજા પર સીધા સૈન્ય હુમલા કર્યા છે. બીજી તરફ, લેબેનોનમાં પણ ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ સીઝફાયર કરાર હોવા છતાં વધુ હિંસક અને તીવ્ર બની ગઈ છે. શનિવારે સવારે આખા ક્ષેત્રમાં જે તબાહી મચી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે અમેરિકાની સેનાએ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી અને ખાડી વિસ્તાર તરફ છોડવામાં આવેલી મિસાઈલો અને ડ્રોનની મોટી લહેરને હવામાં જ તોડી પાડી છે. આ ચાર આત્મઘાતી ડ્રોનને તોડી પાડ્યા બાદ, અમેરિકી સેનાએ ઈરાનની અંદર ઘૂસીને તેના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સાઇટ્‌સ પર બોમ્બમારો કર્યો છે. ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી મેહરના જણાવ્યા અનુસાર, ઈરાને હોર્મુઝની ખાડી નજીક અમેરિકી નૌકાદળના જહાજોની મૂવમેન્ટને રોકવા માટે “ચેતવણી” રૂપે કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

શનિવારે વહેલી સવારે કુવૈત અને બહેરીનમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા, જેના કારણે નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

કુવૈતઃ કુવૈતની આર્મીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેઓ મિસાઈલ અને ડ્રોનના સીધા જોખમો સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે.

બહેરીનઃ બહેરીન સરકારે પોતાના નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જતા રહેવાનો આદેશ આપ્યો છે. બહેરીને દાવો કર્યો છે કે તેણે ઈરાન તરફથી લોન્ચ કરાયેલી ૩ મિસાઈલો અને કેટલાક ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા છે.
લેબેનોનની સેનાએ શનિવારે પુષ્ટિ કરી છે કે ઈઝરાયલના એક ભયંકર હવાઈ હુમલામાં લેબેનોન આર્મીના એક હાઈ-રેન્કિંગ જનરલ સહિત અનેક સૈનિકો માર્યા ગયા છે. લેબેનોનની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, શુક્રવારે થયેલા હુમલામાં પણ ૨૦થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેઓ ઈરાન સાથેના આ યુદ્ધમાં “ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે”. ટ્રમ્પે તેમના પ્રારંભિક ૪ થી ૬ અઠવાડિયાના સમયગાળાની સરખામણી કરતા કહ્યું કે, હું અત્યારે આ યુદ્ધના ત્રીજા મહિનામાં પ્રવેશી ચૂક્યો છું. તમે જાણો છો ને, વિયેતનામનું યુદ્ધ ૧૯ વર્ષ સુધી ચાલ્યું હતું. હું તો હજી મારા ત્રીજા મહિનામાં જ છું.

Related posts

યુદ્ધ વચ્ચે ૧૬૫ વર્ષમાં પહેલીવાર અમેરિકામાં બદલાશે પરંપરા

Master Admin

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા સાથે મિત્ર દેશે કરી ‘ગદ્દારી’!

Master Admin

સાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે

Master Admin

Leave a Comment

Translate »