તંત્રીની કલમે….
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાજકીય સ્થિરતા અને આર્થિક પ્રગતિના એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સતત ત્રણ ટર્મ સુધી જનતાનો વિશ્વાસ જીતીને પ્રધાનમંત્રી તરીકે લાંબા સમય સુધી દેશનું સુકાન સંભાળવું એ એક અસાધારણ અને ઐતિહાસિક સિદ્ધિ છે. આ ૧૨ વર્ષનો દીર્ઘકાલીન કાર્યકાળ માત્ર રાજકીય ક્ષમતાનો જ પુરાવો નથી, પરંતુ તે દેશની આર્થિક, સામાજિક અને વૈશ્વિક નીતિઓમાં આવેલા વ્યાપક પરિવર્તનનો પણ ચિતાર આપે છે. આ લાંબા શાસનની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુનો સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પીએમ રહેવાનો ૪,૩૯૮ દિવસનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે, ૧૦ જૂન ૨૦૨૬ના રોજ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ દિવસે તેમણે ૨૬ મે ૨૦૧૪થી સતત ૪,૩૯૯ દિવસ વડાપ્રધાન તરીકે સેવા પૂર્ણ કરી અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુનો સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના કાર્યકાળને પાછળ છોડી દીધો હતો.જે ભારતીય રાજનીતિમાં એક નવો ઈતિહાસ છે.
આ પ્રદીર્ઘ કાર્યકાળ પાછળનું સૌથી મોટું બળ નરેન્દ્ર મોદી પ્રત્યે જનતાનો અપ્રતિમ અને અતૂટ પ્રેમ છે. દેશના સામાન્ય નાગરિકો, ગરીબો અને મધ્યમ વર્ગ સાથે તેમનું સીધું જોડાણ અને તેમની લોકપ્રિયતા સમય સાથે વધુ મજબૂત બની છે. જનતાનો આ પ્રેમ અને વિશ્વાસ તેમની મજબૂત ઈચ્છાશક્તિ, રાષ્ટ્રવાદી વિચારધારા અને કલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણને આભારી છે. દશકાઓ બાદ દેશને મળેલી આવી લોકપ્રિય અને સ્થિર સરકારે વૈશ્વિક મંચ પર ભારતની શાખને એક નવા શિખરે પહોંચાડી છે.
આ લાંબા કાર્યકાળ દરમિયાન દેશના નાણાકીય માળખા અને આર્થિક નીતિઓમાં ધરખમ સુધારાઓ જોવા મળ્યા છે. બેન્કિંગ ક્ષેત્રનું ડિજિટલાઈઝેશન, જીએસટી જેવી એકીકૃત કરવેરા પદ્ધતિ અને મૂડીબજારમાં સામાન્ય નાગરિકોની વધેલી ભાગીદારીએ ભારતીય અર્થતંત્રને મજબૂતી આપી છે. આ ગાળામાં બીએસઈ અને એનએસઈ જેવા સ્થાનિક શેરબજારોએ રેકોર્ડબ્રેક ઊંચાઈ હાસલ કરી છે, જે દેશની આર્થિક સ્થિરતા અને વિદેશી રોકાણકારોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આ આર્થિક મજબૂતીની સીધી અસર ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન ક્ષેત્ર અને ડિજિટલ ક્રાંતિ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
બીજી તરફ, વૈશ્વિક સ્તરે ભારતની વિદેશ નીતિ વધુ મક્કમ અને પ્રભાવશાળી બની છે. વિકસિત દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોથી લઈને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની અગ્રણી ભૂમિકાએ દેશને વિશ્વગુરુ તરીકે સ્??પિત કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ૧૨ વર્ષના શાસનમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોએ સ્થાનિક ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ કલ્ચરને નવી ઊર્જા આપી છે, જેના કારણે ભારત આજે વિશ્વની અગ્રણી આર્થિક મહાસત્તાઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
જો કે, આ ઐતિહાસિક રેકોર્ડ અને લાંબા શાસનની સાથે ભવિષ્યના પડકારો પણ એટલા જ મોટા છે. દેશ સામેના આર્થિક અસમાનતા, રોજગારીની તકોનું સર્જન અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા જેવા આંતરિક પડકારોનો સામનો કરવો એ આગામી સમયની મુખ્ય પ્રાથમિકતા રહેશે. ત્રીજી ટર્મના આ સમયગાળામાં અર્થતંત્રની ગતિ જાળવી રાખવી અને વિકાસના લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા એ જ આ દીર્ઘકાલીન નેતૃત્વની સાચી સફળતા ગણાશે. જનતાના અભૂતપૂર્વ સમર્થન અને સ્થિર શાસનના આ ૧૨ વર્ષ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થઈ ચૂક્યા છે, જે ભવિષ્યના સક્ષમ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો પાયો પૂરો પાડે છે.
નરેન્દ્ર જોષી

