પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ
મુલાકાત દરમિયાન પાણીની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૧૦ જૂન ૨૦૨૬ — વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અપૂરતા અને દૂષિત પાણીના પુરવઠાની ફરિયાદો ઉઠી રહી હોવાના પગલે મ્યુનિસિપલ કમિશનરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુખ્ય જળસ્ત્રોતો સિંધરોટ, મહીસાગર અને આજવા સરોવરની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન પાણીની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હાલ વડોદરા શહેરમાં આગામી ૨૦ દિવસ સુધી પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે. સાવચેતીના ભાગરૂપે નર્મદા કેનાલ મારફતે વધુ ૩૦ એમએલડી પાણી મેળવવા માટે એસએસએનએલ સમક્ષ અરજી પણ કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે વધારાનો જળપુરવઠો મળી રહે.
તેમણે જણાવ્યું કે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વધુ ૧૨૫ એમએલડી પાણી પહોંચાડવાની કામગીરીને ઝડપી બનાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત, આ વિસ્તારોમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ કરવા માટે વધારાના પંપો કાર્યરત કરવામાં આવ્યા છે, જેના કારણે આશરે પાંચ એમએલડી પાણીના વિતરણમાં સુધારો થવાની આશા છે.
દૂષિત પાણીની ફરિયાદો અંગે કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં ૫૦થી ૬૦ વર્ષ જૂની પાણી અને ડ્રેનેજ લાઇનો હજુ પણ કાર્યરત છે. અનેક સ્થળોએ પાણી અને ડ્રેનેજ લાઇનો એકબીજાની નજીક હોવાથી લીકેજ અથવા અન્ય કારણોસર દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે વોટર સ્ક્વોડ દ્વારા જૂની લાઇનો બંધ કરવાની તેમજ ગેરકાયદે રીતે પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો હતો કે વડોદરામાં પ્રતિ ઘરદીઠ સરેરાશ ૭૦૦ લીટર પાણી પહોંચાડવામાં આવે છે, જે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધુ ગણાય છે. તેમ છતાં બે ટાઇમ પાણી વિતરણની પદ્ધતિ શરૂ કરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં પાણીની અછતનો નહીં પરંતુ પાણીના પ્રેશરનો મુદ્દો વધુ ગંભીર છે. ફ્લેટોના ઉપરના માળ સુધી સીધું પાણી પહોંચાડવાની માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ તે શક્ય નથી.

