ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની વ્યાસપીઠ પહેલી વાર દેશનો સીમાડો ઓળંગે છે ને નાઈરોબી (કેન્યા)માં વિદેશની તેમની પહેલી રામકથાના શ્રીગણેશ થાય છે. કથાના નિમિત્તમાત્ર મનોરથી બને છે રમાબહેન જસાણી-પરિવાર. પછી તો રમાબહેનને લાગેલા રામકથાના રંગે આખોયે પરિવાર રંગાય છે. આજે પૂરા પાંચ દાયકા પછી પણ એ રંગ જરાયે ભુંસાયો નથી, બલ્કે વધુ ઘેરો બન્યો છે. એ પરિવારની ત્રીજી પેઢી આજે બાપુની રામકથાઓ યોજે છે, એમાંથી એ વાતનું પગેરું મળી રહે છે. રમાબહેનનાં ભાઈઓ-બહેનોના પરિવારો સુધી પણ એ શ્રદ્ધાની શાખાઓ વિસ્તરી છે અને પરિણામે વિદેશમાં વસતો એ બૃહદ પરિવાર અરધી સદીથી બાપુની વ્યાસપીઠ સાથે સંપૂર્ણ શરણાગતભાવે જોડાયો છે.
તાજેતરમાં કોચી (કેરળ) ખાતે યોજાયેલી બાપુની રામકથાની સેવા પણ એ પરિવારની સપ્તપર્ણી જેવી સાત દીકરીઓએ કરી હતી. હા, 13 જૂનથી 21 જૂન, 2026ના દિવસોમાં મોરારિબાપુની રામકથા `અરબી સમુદ્રની રાણી’નું બિરુદ પામેલા કોચીમાં સંપન્ન થઈ. કોચી-અર્નાકુલમ્ એ ભારતની દક્ષિણ- પશ્ચિમી સીમા પર અરબ સાગર અને સહ્યાદ્રિ પર્વતની શૃંખલાઓ વચ્ચે આવેલો ખૂબસૂરત ભૂભાગ છે. તો વળી અહીંથી ચાળીસેક કિલોમીટર દૂર આદિ જગદ્દગુરુ શંકરાચાર્યજીનું જન્મસ્થળ કાલડી આવેલું છે. મતલબ કે આ વિસ્તારમાં પ્રકૃતિનું ઉપવન છે, તો તત્ત્વજ્ઞાનનું તપોવન પણ છે. અહીં નયનરમ્ય નિસર્ગશ્રીની સમૃદ્ધિ છે, તો ચિદાકાશને અજવાળતાં તત્ત્વદર્શનની સંપદા પણ છે. આવી નૈસર્ગિક શોભાથી આચ્છાદિત અને આદિ જગદ્દગુરુ શંકરાચાર્યની પુનિત પ્રાગટ્ય સ્થલીના વાયુમંડળમાં મોરારિબાપુની રામકથાનું ગાન થયું ત્યારે જાણે કે પ્રાકૃતિક સૌન્દર્ય અને આધ્યાત્મિક ઐશ્વર્યનો સુભગ સમન્વય થયો.
આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં 1976માં બાપુએ કોચીમાં કથા કરી હતી. ત્યાર બાદ તલગાજરડી વ્યાસપીઠના આંતર-બાહ્ય ક્લેવરમાં આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યારે કોચીમાં આ બીજી કથા યોજાઈ. તલગાજરડાથી કોચી-અર્નાકુલમનું બે હજાર કિલોમીટરનું અંતર કાપીને આવેલી એ વ્યાસપીઠ પરથી રામકથાની સમાંતરે `માનસ-મૃત્યુલોક’ને કેન્દ્ર કરીને સાત્ત્વિક-તાત્ત્વિક દર્શન વ્યક્ત થયું. 2011માં સિડની (ઓસ્ટ્રેલિયા)માં `માનસ-મૃત્યુ’ રામકથાને નિમિત્તે બાપુએ મૃત્યુનો મહિમા દર્શાવીને મૃત્યુની ભયાવહતાને ભૂંસવાનો પ્રયત્ન કર્યો હતો, તો આ કથામાં વિશેષભાવે મૃત્યુલોકનું મહિમાગાન થયું હતું.
મૃત્યુલોક-પૃથ્વીલોકને પાઠશાળાનો દરજ્જો આપીને આ કથામાં બાપુએ સ્વર્ગલોકની તુલનાએ મૃત્યુલોકની વિશેષ મહત્તા પ્રસ્થાપિત કરી બતાવી. મહિમાવંત એવા મૃત્યુલોકની ઘણી ઉપલબ્ધિઓ દર્શાવતાં બાપુએ જણાવ્યું હતું કે મૃત્યુલોકમાં અશ્રુ અને આશ્રય છે; પ્રસન્નતા અને પ્રપન્નતા છે, તો બધા સદ્દગ્રંથો પણ પૃથ્વી પર આવ્યા છે અને પરમાત્માના અવતારો પણ મૃત્યુલોકમાં થયા છે. બાપુએ શ્વેતાશ્વતર ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, કઠોપનિષદ, શાંકરવેદાંત તેમજ લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યના અનેક સંદર્ભો સાથે મૃત્યુનું, મૃત્યુલોકનું અને માનવજીવનનું માહાત્મ્ય દર્શાવ્યું હતું અને મૃત્યુથી ડરવાને બદલે મૃત્યુના સહજ સ્વીકાર-સત્કારની હિમાયત કરી હતી.
બાપુની રામકથા દરમિયાન પ્રેમસભારૂપે યોજાતી સાંધ્ય સંગોષ્ઠિનો પણ આગવો-અલાયદો રંગ હોય છે. એ અનૌપચારિક બેઠકોમાં કવિઓ-કલાકારો-વક્તાઓ પોતપોતાની પ્રસ્તુતિ કરે છે, તો નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીના કોઈ પણ પોતાની રીતે અભિવ્યક્તિ કરી શકે છે. મતલબ કે બેએક કલાક સૌને રજૂ થવા માટે મોકળું મેદાન મળે છે. આ કથા દરમિયાન સૌરભ શાહ અને ભદ્રાયુ વછરાજાનીએ પોતાના વિચારો રજૂ કર્યા, તો નીતિન વડગામા, પાર્થ હરિયાણી અને સ્વામી નિજાનંદ દ્વારા કાવ્યો પ્રસ્તુત થયાં. આ ઉપરાંત કથાકાર મુરલીબાબા, કબીરપંથી કૃષ્ણદાસસાહેબ, વારકરી સંપ્રદાયના ગાયકો તથા અન્ય કલાકારોએ સાંગીતિક પ્રસ્તુતિ કરી તથા લોકસાહિત્યકાર ભરત દાન ગઢવીએ હાસ્યરસની સરવાણી વહેવડાવી.
નીલેશભાઈ ઉર્ફે ટીનાભાઈ જસાણીની આગેવાનીમાં અન્ય પરિવારજનોના સક્રિય સહયોગથી આ રામકથાનો પ્રેમયજ્ઞ સંપન્ન થયો. રામકથાના આયોજનમાં બાપુ જેને અત્યંત આવશ્યક સમજે છે એ વ્યવસ્થા, અવસ્થા અને આસ્થા જેવાં ત્રિવિધ તત્ત્વો પણ આ રામકથામાં સુપેરે ચરિતાર્થ થતાં અનુભવાયાં. કોચીની સૌન્દર્યમંડિત અને ભક્તિભીની ભૂમિમાં કથાશ્રવણ કરનાર સૌ કોઈએ એમ, આધ્યાત્મિક અજવાસનો અને આતિથ્યભાવની ભીનાશનો સુખદ-સંતર્પક અનુભવ કર્યો.
== સમાપ્ત ==

