Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની અસરઃ ૧૫ ડેમ છલકાયા, ૨૨ હાઈ એલર્ટ પર

રાજ્યના ૭૨૦થી વધુ રોડ-રસ્તાઓ બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં અત્યાર સુધીમાં તેમની કુલ ક્ષમતાના ૪૯.૧૯ ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. આ પૈકી ૧૫ ડેમ ૧૦૦ ટકાથી વધુ ભરાઈને સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. આ ઉપરાંત ૨૬ ડેમ ૭૦થી ૧૦૦ ટકા, ૩૧ ડેમ ૫૦થી ૭૦ ટકા અને ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા સુધી ભરાયા છે, જ્યારે ૮૨ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે. જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૭૪.૪૬ ટકા જળસંગ્રહ નોંધાયો છે. પાણીની વધતી આવકને પગલે રાજ્યના ૨૨ ડેમ હાઈ એલર્ટ પર, ૮ ડેમ એલર્ટ પર અને ૧૧ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ, માર્ગ વાહનવ્યવહાર પર ભારે વરસાદની વ્યાપક અસર પડી છે. રાજ્યભરમાં કુલ ૭૨૦ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. જેમાં ૩ નેશનલ હાઈવે, ૧૮ સ્ટેટ હાઈવે, ૨૬ અન્ય માર્ગો અને પંચાયત હસ્તકના ૬૭૩ રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ માર્ગો પ્રભાવિત થયા છે. સુરતના ૧૭૧, નવસારીના ૧૬૬, વલસાડના ૧૬૦ અને તાપીના ૬૭ રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદના ૨૩, ખેડાના ૧૩, આણંદના ૩, વડોદરાના ૧૧, છોટાઉદેપુરના ૩૦ અને સુરેન્દ્રનગરના ૧૫ માર્ગો બંધ થતાં વાહનચાલકો તથા સ્થાનિક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન

Master Admin

VCL દ્વારા ટ્રોફીનું અનાવરણ, અમદાવાદમાં ખેલાડીઓની શરૂઆતની હરાજી યોજાઈ

Master Admin

૨૨ ગામોના ખેડૂતોની પાણી નહીં તો વોટ નહીંની કડક ચીમકી

Master Admin

Leave a Comment

Translate »