વધુ ૩ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૯ થયો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના અન્ય તમામ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. છેલ્લા બે દિવસમાં ત્રણ બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજતાં ફાળ પડી છે. આ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પાંચમાંથી ઘટીને બે થઈ છે.
ધ્રોલ પંથકના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનું ચાર દિવસ પહેલા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળકના સેમ્પલનો રિપોર્ટ હાલ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના અન્ય તમામ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાં પસાયા અને ધ્રોલ પંથકના વધુ બે બાળકો ઉમેરાતાં કુલ દર્દીઓની સંખ્યા ૫ થઈ હતી.
દાખલ દર્દીઓમાંથી કાલાવડના ૨ અને ધ્રોલના ૧ બાળક મળી કુલ ૩ બાળકોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી ન ડરવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
જી.જી. હોસ્પિટલમાં ૫ શંકાસ્પદ બાળ દર્દીઓના મોત બાદ રાજકોટમાં સારવાર લઈ રહેલા જામનગરના ૬ઠ્ઠા બાળકનું પણ મોત થયું હતું, જેનો રિપોર્ટ ચાંદીપુરા વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩ બાળકોના મોત થતાં જામનગર જિલ્લાના કુલ ૯ બાળકોના મોત નોંધાયા છે. જેમાંથી ૧ કેસ પોઝિટિવ છે, જ્યારે ૧ નો રિપોર્ટ આવવો બાકી છે.
આરોગ્ય વિભાગે લોકોને આ રોગથી ગભરાવાને બદલે સતર્કતા રાખવા ખાસ સૂચન કર્યું છે. જો તમારા બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, શરીરમાં ખેંચ (આંચકી) આવવી અને સતત ઉલટી થવી અથવા ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય, તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી હૉસ્પિટલ કે તબીબનો સંપર્ક કરવો.

