Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Uncategorized

બજારે મુસ્તફા તો ખરીદાયે ખુદા!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

સુરતના છેવાડે, તાપી કિનારે નાનુભાઈ કુંભારનું ખોરડું. બધા તેને પ્રેમથી મુસ્તફા કહે, કારણ કે તે કાળી ચીકણી માટીના ટોપલા વેચે. એ માટી જે ચામડીના રોગ પર લગાડાય અને જેનાથી ગણપતિની મૂર્તિ બને.
રોજ સવારે મુસ્તફા બૂમ પાડે – “કાળી માટી લેલો…”
પણ આ વખતે ગણેશ ઉત્સવ માથે આવ્યો તોયે કોઈ બોણી નહીં, કોઈ ઘરાકી નહીં. લોકો ર્ઁંઁ ની મોટી ચમકતી મૂર્તિઓ લે, તેની કાળી માટીની કોઈ કિંમત નહીં. ત્રણ દિવસથી ચૂલો ઠંડો. માટી પલાળીને બેઠો છે, પણ મૂર્તિ ઘડવાની હિંમત નથી. વેચાશે નહીં તો માટી બગડશે.
રાત્રે થાકીને મુસ્તફા રડ્યો – “હે શ્રીજી, તારી જ મૂર્તિ બનાવીને મારા છોકરાનું પેટ ભરું છું, આજે તું જ રસ્તો કર.”
સવારે ચમત્કાર થયો. આંગણામાં એક અજબ કાળી માટીનો ઢગલો પડ્યો હતો. ભીની, મુલાયમ, સુગંધવાળી. જાણે હમણાં જ ગંગા કિનારેથી આવી હોય.
મુસ્તફાએ હાથમાં લીધી, ત્યાં જ માટી બોલી –
“મિટ્ટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોહે,
ઇક દિન ઐસા આયેગા, મૈં રોંદુંગી તોહે।”
સંત કબીરનું વાક્ય. માટી કહે છે, તું આજે મને રોંદે છે, એક દિવસ એવો આવશે કે હું તને રોંદીશ, એટલે કે તું પણ મારામાં મળી જઈશ.
મુસ્તફાની આંખમાં આંસુ આવ્યા. તેણે હાથ જોડીને કહ્યું –
“કુંભાર કહે મિટ્ટી સે, મૈં ક્યા રોંદું તોહે,
તૂ તો ખુદ ભગવાન હૈ, મૈં કૈસે ગઢું તોહે।”
અને તે જ ઘડીએ માટી જાતે જ આકાર લેવા લાગી. મુસ્તફાએ હાથ નથી અડાડ્યો, માટીએ પોતે જ ગણેશજીનું રૂપ લઈ લીધું. સવા ફૂટની નાની, કાળી માટીની એવી સુંદર મૂર્તિ કે જોતા જ આંખ ઠરે.
બીજા દિવસે ગણેશ ચતુર્થીનો બજાર ગરમ છે. બધા કારીગરો પાસે મોટી-મોટી મૂર્તિઓ, મુસ્તફા પાસે એક જ કાળી મૂર્તિ.
ત્યાં એક વૃદ્ધ ફકીર આવ્યો. આખા શરીરે સફેદ ડાઘ, ચર્મ રોગથી ગળી ગયેલું શરીર. લોકો તેનાથી દૂર ભાગે.
ફકીરે કહ્યું – “બેટા મુસ્તફા, તારી આ કાળી મૂર્તિની થોડી માટી મારા શરીર પર લગાડી દેને?”
મુસ્તફાને દયા આવી. તેણે મૂર્તિના ચરણ પાસેથી થોડી માટી લઈને ફકીરના આખા શરીરે લગાડી દીધી, મફતમાં. ફકીર હસીને જતો રહ્યો.
બીજા દિવસે સવારે બજારમાં હોબાળો થયો. પેલો ફકીર પાછો આવ્યો, પણ તેનું શરીર સોના જેવું ચમકતું હતું. બધા ડાઘ ગાયબ, રોગ સાવ દૂર.
વાત વાયરાની જેમ ફેલાઈ – “મુસ્તફાની કાળી ગણેશ મૂર્તિની માટીથી ફકીરનો કોઢ મટી ગયો!”
હવે જે મૂર્તિ કોઈ જોતું નહોતું, તેની પાછળ લાઈન લાગી. “મુસ્તફા ભાઈ, મૂર્તિ આપો, માટી આપો.” જે કાળી માટી સવારે કોઈ મફતમાં નહોતું લેતું, તે સાંજે સોનાના ભાવે વેચાઈ. તે નાની મૂર્તિ ૧.૫૧ લાખમાં વેચાઈ.
રાત્રે મુસ્તફા ઘરે ગયો તો ઝૂંપડીમાં અનાજના કટ્ટા ભરેલા, બાળકો નવા કપડામાં. અને ખાલી માટીના ઢગલા પાસે એક ચિઠ્ઠી પડી હતી –
“તું મને રોજ રોંદીને મારો આકાર બનાવે છે તારા પેટ માટે. આજે મેં પોતે તારો આકાર લઈ લીધો તારા પેટ માટે. ગરીબના ચૂલા માટે ભગવાનને પણ વેચાવું પડે તો હું તૈયાર છું. બજારમાં તું માટી વેચવા ગયો હતો, પણ ખરીદવા હું આવ્યો હતો.” – તારો શ્રીજી!
મુસ્તફા સમજી ગયો. પેલો ફકીર બીજું કોઈ નહોતું, ખુદ નારાયણ સ્વરૂપે ખુદા જ આવ્યા હતા. પોતાના શરીર પર તેની માટી લગાડીને તેની પહેલી બોણી કરાવવા.
એટલે જ સૂફીઓએ કહ્યું છે –
બજારે મુસ્તફા તો ખરીદાયે ખુદા!.
જ્યારે દુનિયા તારી માટી ન ખરીદે, ત્યારે ખુદા જાતે ગ્રાહક બનીને આવે છે, પછી દુનિયા લાઈનમાં આવે છે!

Related posts

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે

Master Admin

Leave a Comment

Translate »