Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

પ્રેમ કોઈનો મોહતાજ હોતો નથીઃ એ પ્રેમ, એક પ્રેમ છે!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

પ્રેમને કોઈ બંધન, છેવાડા કે, સીમાડા નડતા હોતા નથી તેથી પ્રેમ કોઈનો મોહતાજ હોતો નથી. તેને કોઈની પરવાનગીની જરૂર નથી. તેને ઉંમરના કોઈ બંધન નડતા નથી.

આ દુનિયા પ્રેમને નિયમમાં બાંધવા માંગે છે. આ ઉંમરે પ્રેમ થાય, આ ઉંમરે ન થાય. આ જાતિમાં થાય, આ ધર્મમાં ન થાય. આટલા પૈસા હોય તો જ પ્રેમ થાય. દુનિયા પ્રેમને બજારની ચીજ સમજે છે. પણ પ્રેમ બજારની ચીજ નથી. પ્રેમ તો હવા જેવો છે. તે ક્યાંથી આવે છે, ક્યારે આવે છે, કોઈને ખબર નથી પડતી.

પ્રેમને ઉંમરના નિયમો નડતા નથી. પ્રેમ ૧૬ વર્ષે પણ થાય છે અને ૬૦ વર્ષે પણ થાય છે. ૧૬ વર્ષનો પ્રેમ આંખોમાં હોય છે, ૬૦ વર્ષનો પ્રેમ આત્મામાં હોય છે. દુનિયા ૬૦ વર્ષના પ્રેમની મજાક ઉડાવે છે. કહે છે, ઘડપણમાં તે વળી શું પ્રેમ? પણ તે લોકોને ખબર નથી કે ઘડપણનો પ્રેમ જ સૌથી સાચો પ્રેમ છે, શ્રેષ્ઠ પ્રેમ છે, પ્રેમની ચરમસીમા અને પરાકાષ્ઠા છે. કારણ કે ત્યાં વાસના નથી હોતી, ત્યાં ફક્ત સાથની ભૂખ હોય છે. એકબીજાનો હાથ પકડીને બેસી રહેવાની ઈચ્છા હોય છે.

પ્રેમમાં હંમેશા વહેમ, શંકા, શ્રદ્ધા અને ખેંચતાણ હોય છે. આ જ પ્રેમની સૌથી મોટી નિશાની છે. જે પ્રેમમાં વહેમ કે ખેંચતાણ નથી, તે પ્રેમ જ નથી. કારણ કે જ્યાં પ્રેમ હોય, ત્યાં તેને ગુમાવી દેવાનો ડર હોય છે. તે રિસાઈ જશે તો? તે મને ભૂલી જશે તો? આ વહેમ અને ખેંચતાણ જ પ્રેમને જીવંત રાખે છે. જેને તમારી પડી જ નથી હોતી, તેને તમારા માટે કોઈ વહેમ પણ નથી હોતો. એટલે જો તમારા પ્રેમમાં વહેમ આવતી હોય તો ગભરાશો નહીં, તે સાબિત કરે છે કે તમે હજુ પણ સાચા પ્રેમમાં છો.

ખેર, દાંત પડી ગયા હોય, ચહેરા પર કરચલીઓ આવી ગઈ હોય, અને વાળની લટોમાં સફેદી આવી ગઈ હોય તો પણ… તો પણ શું?

તો પણ પ્રેમ પ્રેમ જ રહે છે. શરીર ઘરડું થાય છે, પ્રેમ ક્યારેય ઘરડો થતો નથી. તમે અરીસામાં તમારો ચહેરો જોશો તો તમને તમારી ઉંમર દેખાશે. પણ જ્યારે તમે પ્રેમની આંખોમાં જોશો, ત્યારે તમે હંમેશા ૧૬ વર્ષના જ દેખાશો. પ્રેમની આંખ ક્યારેય કરચલી જોતી નથી, તે ફક્ત દિલ જુએ છે.

આજકાલ લોકો પ્રેમને શરીર સાથે જોડી દે છે. ગોરો ચહેરો, કાળા વાળ, સારી હાઈટ, સારી બોડી. આ પ્રેમ નથી, આ આકર્ષણ છે. આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. દાંત પડ્યા પછી, વાળ સફેદ થયા પછી આકર્ષણ ખતમ થઈ જાય છે. પણ પ્રેમ? પ્રેમ તો ત્યારે શરૂ થાય છે. જ્યારે તમે એકબીજાની કરચલીમાં પણ સુંદરતા જોવા લાગો, જ્યારે તમે તેના સફેદ વાળમાં પણ તમારું આખું જીવન જોવા લાગો, ત્યારે સમજવું કે આ પ્રેમ છે.

એ પ્રેમ, એક પ્રેમ છે. જે કોઈનો મોહતાજ નથી. જેને કોઈ કારણ જોઈતું નથી. તે બસ છે, એટલે છે. તે હવા જેવો છે, તે શ્વાસ જેવો છે. તેને સાબિત કરવાની જરૂર નથી, તેને દેખાડવાની જરૂર નથી. તે બસ અનુભવવાનો છે.

એટલે પ્રેમ કરતા ક્યારેય ડરશો નહીં. ઉંમરનો ડર, સમાજનો ડર, દાંત પડી જવાનો કે વાળ સફેદ થવાનો ડર છોડી દો. પ્રેમ કરો. કારણ કે અંતે જ્યારે બધું જ છૂટી જશે, ત્યારે એક પ્રેમ જ તમારી સાથે રહેશે. અંતે પ્રેમની પરિભાષા અને અભિવ્યક્તિમાં તપ, ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના તથા અનુભૂતિનો જ સમાવેશ થાય છે

Related posts

રક્તની વિકૃતિથી ઘૂંટણનો દુઃખાવાની મુખ્ય ફરિયાદ

Master Admin

આ કથાઓ શું કામ છે?વિષમ પરિસ્થિતિમાં સાચા સમયે કથા આપણો માર્ગદર્શક બને છે

Reporter1

અમેરિકા-ઈરાન તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજારઃવૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે એક કસોટી

Master Admin

Leave a Comment

Translate »