Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

પૂજ્ય મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રા ઉજ્જૈન પહોંચી, શહેરના સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું કરાયું સ્મરણ

— મહાકાલની પાવન નગરીમાં યોજાયેલી યાત્રા દ્વારા આધ્યાત્મિકતા, જ્ઞાન અને ભારતની પ્રાચીન સભ્યતાગત પરંપરાઓના કેન્દ્ર તરીકે ઉજ્જૈનના મહત્ત્વને ઉજાગર કરાયું

ઉજ્જૈન, મધ્યપ્રદેશ | ૧૭ નવેમ્બર ૨૦૨૬ | પ્રખર આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના મર્મજ્ઞ પૂજ્ય શ્રી મોરારીબાપુના નેતૃત્વમાં નીકળેલી ભારત સ્વસ્તિક યાત્રા 17 નવેમ્બરના રોજ ઉજ્જૈન પહોંચી હતી. દ્વારકાથી જગન્નાથપુરી સુધીની યાત્રાના બીજા ચરણ અંતર્ગત અહીં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતનાં સૌથી પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ પવિત્ર નગરોમાં સ્થાન ધરાવતું ઉજ્જૈન દેશના આધ્યાત્મિક નકશામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભગવાન શિવ, ભગવાન શ્રીકૃષ્ણ, પ્રાચીન શિક્ષણ પરંપરાઓ તેમજ ભારતના વૈજ્ઞાનિક વારસા સાથે જોડાયેલાં અનેક ઐતિહાસિક અને આધ્યાત્મિક પાસાં આ નગરીની ઓળખ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે ઉજ્જૈનમાં આયોજિત ભારત સ્વસ્તિક યાત્રાની રામકથામાં સહભાગી થઈને સનાતન ધર્મનાં મૂલ્યો જાળવી રાખવા અને ભારતના આધ્યાત્મિક વારસાના સંરક્ષણ માટે પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણમાં આશરે 1,000 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનો—કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ—મારફતે પૂજ્ય મોરારીબાપુ સાથે યાત્રા કરી રહ્યા છે. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે.

આ પ્રસંગે પૂજ્ય શ્રી મોરારીબાપુએ જણાવ્યું હતું કે, “ઉજ્જૈનનું સ્વસ્તિક મહાદેવ અને મહાકાલ સાથે જોડાયેલા ચાર તત્ત્વોમાં સમાયેલું છે—ભસ્મ, ભિક્ષા, ભૂત અને ભુજંગ. આ ચારેય તત્ત્વો મહાદેવના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવે છે. શિવતત્ત્વનો સાર છે—‘સૌનો સ્વીકાર એ જ શિવત્વ છે.’ દરેકનો સ્વીકાર કરવો એ જ સાચું શિવતત્ત્વ છે. સ્વીકારભાવ એ શિવત્વનો મૂળ આધાર છે.

સાથે જ, જે લોકો સનાતન ધર્મનું સન્માન કરતા નથી અથવા તેની પરંપરાઓનો વિરોધ કરે છે, તેમને તેનાં મંદિરો અને પવિત્ર તીર્થસ્થળોમાં પ્રવેશની મંજૂરી આપવી જોઈએ નહીં. ધર્મ અને તેની પવિત્ર સંસ્થાઓ પ્રત્યેનું સન્માન સર્વોપરી હોવું જોઈએ.”

ઉજ્જૈનમાં આયોજિત ભારત સ્વસ્તિક યાત્રાની રામકથામાં સહભાગી થયેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે, “ઉજ્જૈન બાબા મહાકાલની પવિત્ર નગરી છે, જ્યાં દરેક શ્વાસ આપણને જીવનની અમૂલ્યતા અને સત્કર્મોના મહત્ત્વનું સ્મરણ કરાવે છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને ભગવાન શ્રીકૃષ્ણે જ્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તે સાંદીપનિ આશ્રમની પાવન ભૂમિ પર ભારત સ્વસ્તિક યાત્રા અને રામકથાનું આયોજન થઈ રહ્યું છે, તે અત્યંત સૌભાગ્યની વાત છે. પૂજ્ય શ્રી મોરારીબાપુના આગમન અને તેમની રામકથા સાથે મને એવું લાગે છે કે જાણે સિંહસ્થ ઉજ્જૈન કુંભનો પ્રારંભ અગાઉથી જ થઈ ગયો છે.

મધ્યપ્રદેશ સરકાર વતી હું સનાતન ધર્મનાં મૂલ્યો જાળવી રાખવા માટે પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પ્રત્યે મારી ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરું છું. અમારી સરકાર રાજ્યના પવિત્ર આધ્યાત્મિક વારસાના સંરક્ષણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે.”

સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના શાશ્વત આદર્શોના માધ્યમથી ભારતનાં પવિત્ર તીર્થસ્થળો અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એક તાંતણે બાંધવાનો છે.

ભારત સ્વસ્તિક યાત્રામાં ઉજ્જૈનના મહત્ત્વ અંગે વાત કરતાં મદન પાલીવાલ, ચેરમેન, મિરાજ ગ્રુપ અને મેનેજિંગ ટ્રસ્ટી, સંતકૃપા સનાતન સંસ્થાને જણાવ્યું હતું કે, “ભારતની પવિત્ર તીર્થ પરંપરામાં ઉજ્જૈનનું વિશેષ સ્થાન છે. તે સપ્તપુરીઓમાંની એક છે અને સિંહસ્થ કુંભમેળાનું પણ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં ક્ષિપ્રા નદીના કિનારે લાખો શ્રદ્ધાળુઓ એકત્રિત થાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પાવન ભૂમિ હોવાને કારણે આ નગરી સદીઓથી આસ્થા અને આધ્યાત્મિક પરંપરાઓનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહી છે. ભારત સ્વસ્તિક યાત્રામાં ઉજ્જૈનની સહભાગિતા આપણા સભ્યતાગત વારસાના સંરક્ષણ અને તેને આગળ વધારવામાં ભારતનાં પ્રાચીન તીર્થસ્થળોની ચિરંજીવી ભૂમિકાને ઉજાગર કરે છે.”

ઉજ્જૈનની આધ્યાત્મિક ઓળખના કેન્દ્રમાં મહાકાલેશ્વર મંદિર આવેલું છે, જે ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં ભગવાન શિવની મહાકાલ એટલે કે કાળના સ્વામી તરીકે પૂજા કરવામાં આવે છે. તેમને સમય અને મૃત્યુના ચક્રથી પર એવી પરમ શક્તિ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર, ભગવાન શિવે પોતાના ભક્તોને રાક્ષસ દૂષણથી બચાવવા માટે ઉજ્જૈનમાં પ્રગટ થઈને આ નગરીના રક્ષક તરીકે પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી હતી. મંદિરની વિશિષ્ટ ભસ્મ આરતી અહીંની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રસિદ્ધ ધાર્મિક પરંપરાઓમાંની એક છે, જેમાં ભાગ લેવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ઉજ્જૈનના એક વૈદિક બ્રાહ્મણનો ઉલ્લેખ ‘પરમ સાધુ’ તરીકે કરવામાં આવ્યો છે, જેઓ ભગવાન શિવ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે સમર્પિત હતા. કાકભુશુંડી દ્વારા વર્ણવવામાં આવેલો આ પ્રસંગ ઉજ્જૈનની શૈવ પરંપરા સાથેની નિકટતા અને ભક્તિના વિવિધ માર્ગો વચ્ચે સમન્વયની ભાવનાને દર્શાવે છે.

યાત્રાના બંને ચરણો—કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી—ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લે છે. આ યાત્રા દેશનાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળો, ઐતિહાસિક કેન્દ્રો તેમજ ભારતની વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા વિસ્તારોને એક તાંતણે બાંધે છે.

ભારતીય પરંપરામાં સ્વસ્તિકને મંગળ, શુભતા અને કલ્યાણનું પ્રાચીન પ્રતીક માનવામાં આવે છે. આ જ પ્રતીકથી પ્રેરિત ભારત સ્વસ્તિક યાત્રા સદભાવના, સર્વકલ્યાણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ લઈને આગળ વધી રહી છે. આ યાત્રા આદિ શંકરાચાર્ય પાસેથી પણ પ્રેરણા મેળવે છે, જેમણે ભારતભ્રમણ કરીને સનાતન ધર્મની દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓના માધ્યમથી દેશના વિવિધ વિસ્તારોને જોડવાનું કાર્ય કર્યું હતું.

પૂજ્ય  શ્રી મોરારીબાપુની રામકથાના મૂળમાં સત્ય, પ્રેમ અને કરુણા જેવા સાર્વત્રિક મૂલ્યો રહેલાં છે. ભારત સ્વસ્તિક યાત્રા આ જ મૂલ્યોને દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવા તેમજ આધ્યાત્મિકતા, સંવાદ અને સહિયારા સાંસ્કૃતિક વારસાના માધ્યમથી સમાજના વિવિધ વર્ગોને જોડવાનો પ્રયાસ છે.

યાત્રા દરમિયાન યોજાતી રામકથા અને તેની સાથે સંકળાયેલા તમામ કાર્યક્રમો નિઃશુલ્ક છે અને સૌ કોઈ માટે ખુલ્લા છે. દરેક સ્થળે ભંડારાના સ્વરૂપમાં શાકાહારી સામૂહિક ભોજન પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

કાલડી અને તલગાજરડી પ્રસ્થાનત્રયિને જોડતા બ્રહ્મસૂત્ર એ સત્ય,ભગવદ ગીતા પ્રેમ અને ઉપનિષદ કરુણા છે.

Master Admin

કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

Master Admin

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin

Leave a Comment

Translate »