Nirmal Metro Gujarati News
article

રામકથા બકવાસ નહીં કાકવાસ છે,કાનનો મુખવાસ છે. અધ્યાત્મ જગતમાં વિશ્વનો સૌથી મોટો આધાર પાદુકા છે. ગુરુ આપણું ઓઢણું છે,જે આપણને સદા સુહાગન રાખે છે

 

જ્યાં પાદુકા છે એ ઘરમાં સદાકાળ ત્રણ દેવી:પા-પાર્વતિ,દુ-દુર્ગા,કા-કાલિકા બિરાજમાન છે.
સાધુનું એક જ કુળ છે-બધા જ પ્રત્યે અનુકૂળ રહેવું.

આદ્યશક્તિ નવદુર્ગાની આરાધનાનાં દિવસોમાં કર્ણાટકનાં ગોકર્ણથી ચાલી રહેલી રામકથાનાં પાંચમાં દિવસે આરંભે વિવિધ પ્રશ્નોના જવાબ દેતા બાપુએ કહ્યું કે રામકથા બકવાસ નહીં કાકવાસ છે.કાનનો મુખવાસ છે.ઘણા કથાની આલોચના કરતા પૂછે છે કે કથા શું છે?પ્રવચન છે કે આખ્યાન છે કે વ્યાખ્યાન છે? કે વાતો છે?કે પ્રવચન?કેભાષણ?વગેરે.. બાપુએ કહ્યું કે ઉપર બેસીએ તો ઘા સહન કરવા જ પડે છે. રવિન્દ્રનાથ ટાગોરને કોઈ આલોચક કે વિવેચક મળવા આવ્યા.ટાગોર ખૂબ થાકેલા અને વ્હીલ ચેરમાં બેઠેલા,તબિયત પણ બરાબર ન હતી.કોઈએ મળવા આવનારને ના કહી અને ગુરુદેવે સાંભળ્યું અને કહ્યું કે એને મળવું છે અને મળીને કહ્યું કે હવે આ વૃક્ષમાં બધા જ પાંદડાઓ ખરી ગયા છે માત્ર ફળ છે.અને જ્યારે બધા જ ફળ હશે ત્યારે પથ્થર તો આવશે જ! જેનું જીવન પૂરેપૂરું ફલિત થઈ ગયું છે તેઓએ પથ્થર ખાવાની તૈયારી રાખવી પડશે. ભગવાન બુદ્ધને પણ પ્રહાર કરવામાં પરિવારના લોકો પણ પાછળ રહ્યા નથી.
દુનિયામાં સૌથી શ્રેષ્ઠ આધાર શું છે?-પાદુકા.
ન બેરખાો,ન માળા,ન નામ,ન રૂપ;માત્ર પાદુકા આધાર છે.અને આધાર વગર શાંતિ અને સંતોષ મળતો નથી એવું ચિત્રકૂટના પ્રસંગમાં ભરતજી કહે છે.અધ્યાત્મ જગતમાં વિશ્વનો સૌથી મોટો આધાર પાદુકા છે.જેમ કૃષ્ણાવતારમાં વસ્ત્રાવતાતાર થયો એ જ રીતે રામચરિત માનસમાં પાદુકા અવતાર થયો છે. વેદાંતમાં ગુરુને આવરણ કહ્યું છે.પણ ગુરુ મળ, વિક્ષેપ અને આવરણ હટાવે છે એવું પણ કહ્યું છે!બે વિપરિત વક્તવ્ય આવ્યા છે.કૃષ્ણ જગતગુરુ છે અને દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે એ વસ્ત્રનો અવતાર બનીને આવે છે ત્યારે આવરણ છે.
ગુરુ આપણું ઓઢણું છે.જે આપણને સદા સુહાગન રાખે છે.ગુરુ આપણા મનને વિસર્જિત કરે છે કારણ કે એ નિર્મળ અને વિમલ છે.ક્યારેક-ક્યારેક ગુરુ વિક્ષેપ કરે છે,આપણને ડિસ્ટર્બ કરે છે,કોઈ એવું સૂત્ર પકડાવી આપે છે એનાથી આપણે વિક્ષિપ્ત થઈ જઈએ છીએ.
તુલસીજીએ સાધુને કપાસના ફૂલ સાથે સરખાવીને કહ્યું છે કે એ અન્યના છિદ્રને ઢાંકવાનું કામ કરે છે. બાપુએ જણાવ્યું કે પાદુકા જેના ઘરમાં પણ હોય ત્યાં એક નહીં ત્રણ-ત્રણ દેવી બિરાજમાન છે: પા એટલે પાર્વતી,દુ એટલે દુર્ગા અને કા એટલે કાલિકા. નવરાત્રિ હોય કે ન હોય સતત ત્રણ દેવી ત્યાં વિરાજમાન રહે છે.
બાપુએ સાધુની વાત કરતા જણાવ્યું કે સાધુ બંધનમાં રહે છે,એ વચનના બંધનમાં પણ રહે છે અને આશ્રિતના દઢાશ્રયમાં પણ સાધુ રહે છે.જ્યાં આપણો પાક્કો ભરોસો હશે ત્યાં સાધુ હશે જ. સાધુની કોઈ જાતિ નથી,ન કોઈ નીતિશાસ્ત્ર,ના કોઈ ખોટી આચારસંહિતા,કોઈ કૂળ નથી હોતું,કોઈ ગોત્ર પણ નહીં.નામ,રૂપ,ગુણ અને દોષથી પણ સાધુ મુક્ત હોય છે.સાધુનું એક જ કુળ છે-બધા જ પ્રત્યે અનુકૂળ રહેવું.આવું શંકરાચાર્ય કહે છે સાથે-સાથે બાપુએ એ પણ કહ્યું કે કથામાં પાંચ નિષ્ઠા હોય છે: ૧-ગુરુનિષ્ઠા.૨-નામનિષ્ઠા.૩-ગ્રંથનિષ્ઠા.૪-શિવનિષ્ઠા જે હનુમંત નિષ્ઠા કે વિશ્વાસ નિષ્ઠા કહેવાય.અને ૫-શબ્દનિષ્ઠા.
ઉનસે ઉમ્મીદે વફા ન રખ ‘ફરાઝ’
જો મિલતે હૈ કિસી સે ઔર હોતે હૈ કિસી ઓર કે!
-અહેમદ ‘ફરાઝ’
મા દુર્ગાના હાથ કેટલા?મહાલક્ષ્મી,મહાસરસ્વતીને જોઈએ તો બંનેને ચાર-ચાર ભુજાઓ છે.લક્ષ્મીને પણ ચારભુજા છે.સાથે સાથે હંસવાહિની વિસહથ્થિ વીસ ભુજાઓ વાળી કહેવાય છે.મહાકાળી અષ્ટભૂજા અને આ બધા જ મેળવીએ તો ૩૨ ભુજાઓ થાય.એનો ચોથો ભાગ એટલે અષ્ટભૂજા. આ અષ્ટભભૂજાના અનેક અર્થમાંથી એક અર્થ કહેતા બાપુએ કહ્યું કે સિતાનું એક નામ ભૂ-જા, ભૂમિજા.ભૂ એટલે ભૂમિમાંથી જન્મનારી.અહીં વ્યાકરણને અલગ રાખીને જોઈએ.કારણ કે તુલસી વ્યાકરણથી વધારે આચરણના આગ્રહી છે.તો આ રીતે સિતા પૃથ્વીમાંથી પ્રગટે છે.આ પૃથ્વીમાંથી આઠ વસ્તુ પ્રગટ થાય છે.જેમાં એક છે-ગંધ.ધરતીની સમાધિમાંથી ગંધ નીકળે તો સમજવું કે એક ભુજા નીકળી છે.જળ-સંવેદના નું પ્રતીક છે.વનસ્પતિ-૧૮ ભાર વનસ્પતિ ધરતીમાંથી નીકળે છે.તેલ-જે સ્નિગ્ધતા અને સ્નેહનું પ્રતિક છે.ઔદાર્ય છે, ઉદારતા છે,પૃથ્વીમાંથી ધાતુ નીકળે છે.પૃથ્વીમાં ધિરતા છે. ધૈર્ય છે,સ્થિરતા છે.
સાથે-સાથે કથામાં પંચતત્વ-પૃથ્વી,જળ,વાયુ, આકાશ,અગ્નિ તો છે જ.એ જ રીતે શબ્દ,સુર,સ્વર, લય અને તાલ પણ છે. રૂપ રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ છે.નામ,રૂપ,લીલા,ધામ અને ગુરુમુખ પણ દેખાય છે.

શિવ અને રામ;જગદંબા અને સિતાનું ઐક્ય,અભેદ કેવું છે?
બાપુએ કહ્યું કે આજે ખૂબ વહેલા નીંદર ઉડી ગઈ. સવાર-સવારમાં યમુનાની જેમ સ્મૃતિઓની ધારાઓ આવી અને હું યજ્ઞકુંડ પાસેથી ઊઠીને ઓરડામાં જઈને પેન લઇ અને જે-જે ધારા ચાલી એને મેં લખી લીધી.એ ધારાઓની વાત કરતા બાપુએ કહ્યું કે:
શિવ અને રામનું અભેદ કેવું છે.રામની પ્રતિષ્ઠાનો અનુભવ કરવો હોય તો શિવ નિષ્ઠા ન છોડો.
બંને જગદીશ છે.
બંને અંતરયામી છે.
શિવ અને રામ બંને વ્યાપક છે.
બંને નિર્ગુણ છે.બંને મન વગેરેથી પર છે.બંને કાળ ભક્ષક છે.બંને ઇન્દ્રિયોથી પણ પર છે.
રામ અને શિવ બંનેના નામ કલ્પતરુ છે.બંનેના ધામ મોક્ષદાતા છે-અયોધ્યા અને કાશી મોક્ષ નગરી છે. બંને ચરણ રતિમાં નિષ્ઠા,આગ્રહ રાખનાર છે.બંને કૃપાળુ છે.બંનેના ચરિત પણ અગાધ છે.
આમ કહી બાપુએ રામ અને શિવની આ સામ્યતા સૂચક વિવિધ પંક્તિઓ પણ બતાવી.
શિવ વૈષ્ણવ અને શાકતોની વચ્ચે મધ્યકાળમાં ખૂબ મોટી લડાઈઓ પણ ચાલી એનો પણ બાપુએ ઉલ્લેખ કર્યો.
એ જ રીતે જગદંબા અને સિતામાં પણ સામ્ય છે: બંને જગદંબા છે.બંને આદિશક્તિ છે.બંને ઉદ્ભવ, સ્થિતિ અને સંહારકારીણિ છે.બંને સિદ્ધિદાત્રી છે. સિતા અને જગદંબા બંને પતિવ્રતા ધર્મની શિરોમણી છે.

Related posts

Herbalife India collaborates with IIT Madras to Launch  Plant Cell Fermentation Technology Lab

Reporter1

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયો

Reporter1

Morari Bapu pays tribute and dedicates financial assistance to victims of Mumbai boat tragedy

Reporter1
Translate »