Nirmal Metro Gujarati News
article

હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું” ગુરુને દેવ નહીં ભગવાન માનવા,દેવ તો સ્વાર્થી પણ હોઈ શકે છે. દરેક લાભ શુભ નથી હોતો,પણ દરેક શુભ લાભદાયી હોય છે. સત્ય આકાશમાં,પ્રેમ ધરતી ઉપર અને કરુણા પાતાળ જેટલી ઊંડી હોય છે

 

 

આર્જેન્ટિનાનાં ઉસૂઆયા પ્રાંતમાં ગવાઇ રહેલી રામકથા આઠમાં દિવસમાં પ્રવેશી ત્યારે બાપુએ જણાવ્યું કે આવતીકાલે રામના પ્રાગટ્ય સાથે રામચરિત માનસનું પણ પ્રાગટ્ય છે.રામને આપણે જોયા નથી,રામચરિત માનસને તો જોયું છે,સ્પર્શયું છે,માથા ઉપર પણ રાખ્યું છે.રામ ત્રેતાયુગમાં જ થયા,રામચરિત માનસ સર્વકાલીન છે.એટલે રામ નવમી એ રીતે પણ મહત્વનો દિવસ છે.

માતા-પિતા હઠ કરતા હોય તો એની સાથે સારો વ્યવહાર કરવો,કારણ કે આપણાથી મોટા છે. હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું અને અહીંથી આગળ જવું નથી.એટલે માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ.પણ આચાર્ય અને ગુરુ જુદા છે.અહીં અતિથિ દેવો ભવ એ ગુરુ વિશે છે કારણ કે ગુરુ કોઈ તિથિ જોઈને નહીં પણ આપણને જરૂર પડે ત્યારે આવે છે. ગુરુને દેવ નહીં ભગવાન માનવા,દેવ તો સ્વાર્થી પણ હોઈ શકે છે.

મહાભારત કાર કહે છે જે ક્યારેય ક્રોધ ન કરે એ ભગવાન છે.ગુરુ ક્યારેય આપણો લાભ નથી કરતો શુભ કરે છે.દરેક લાભ શુભ નથી હોતો,પણ દરેક શુભ લાભદાયી હોય છે.સત્ય આકાશમાં,પ્રેમ ધરતી ઉપર અને કરુણા પાતાળ જેટલી ઊંડી હોય છે. મનોજકુમારને અને એની કલાને શ્રદ્ધાંજલિ આપી એમના પ્રદાન વિશેની વાત પણ કરી.

નવધા ભક્તિ વિશેની વાત કરી.સાથે એ પણ જણાવ્યું કે ગીતાકાર કહે છે કે જે પથ્થર,ધૂળ,ઢેફું અને સોનુ બધામાં સમદ્રષ્ટિ રાખે છે એ મોહ-મમતાથી પર થઇ ગયો છે.

અયોધ્યા કાંડની શરૂઆત ગુરુ વંદનાથી કરી પછી કાગભુશુંડીનાં ન્યાયથી ખૂબ જ સંક્ષિપ્તમાં એક-એક કાંડ વિશેની વાત કરતા રામ વનવાસ અને કેવટનો પ્રસંગ,ચિત્રકૂટમાં ભરતજી અને જનકજી તેમજ આખા અયોધ્યા વાસીઓ સાથે સભા મળી અને કૃપા કરીને ભરતને પાદુકા આપી.પાદુકાના છ દ્રષ્ટાંત આપી અને એનું મહિમાગાન થયું.ભરતજી તપસ્વી બનીને અયોધ્યામાં રહ્યા.

અરણ્યકાંડમાં અત્રિ,કુંભજ વગેરે ઋષિઓને મળી મંત્ર પ્રાપ્ત કરી અને પંચવટીમાં નિવાસ કર્યો.જ્યાં શૂર્પણખાનાં પ્રસંગ બાદ માયા-સીતાનું અપહરણ થયું કિષ્કિંધાકાંડમાં મારુતિનું મિલન અને સુગ્રીવની મૈત્રી વર્ણવી અને સુંદરકાંડમાં હનુમાનજી સાગર પાર કરીને લંકામાં પ્રવેશ કરે છે.સીતાજીની ખબર લઈ અને પાછા આવે છે .સમુદ્ર તટ ઉપર રામની સેના આવી અને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવી .ભુશુંડીએ યુદ્ધની કથા ખૂબ જ નાનકડી બતાવી છે.ભિષણ યુદ્ધ પછી રાવણને મુક્તિ પ્રદાન કરી,સીતાજી સાથે પુષ્પક આરુઢ થઈને અયોધ્યામાં આવ્યા.જ્યાં દિવ્ય સિંહાસન પર ભગવાન રામને ગુરુ વશિષ્ઠએ રાજ તિલક કર્યું.રામનવમીનાં દિવસે કથાની પૂર્ણાહૂતિ છે.

 

કથા-વિશેષ:

શિષ્ય દ્વારા થતાં ૧૦ ગુરુ અપરાધ,જેનાથી બચવું

૧-ગુરુમાં અદ્વૈત ભાવ-ગુરુ શિષ્ય એક નથી,બંને અલગ છે,ભલે ગમે એટલી શાસ્ત્ર ઊંચાઇ પકડી હોય પણ ગુરુ એ ગુરુ છે,શિષ્ય શિષ્ય છે.

૨-ગુરુની ઇર્ષા કરવી.

૩-ગુરુમાં મનુષ્ય ભાવ રાખવો-ગુરુ નરરૂપ હરિ છે,માત્ર મનુષ્ય નથી.

૪-ગુરુએ આપેલો મંત્ર બદલી નાંખવો.

૫-ગુરુએ આપેલો ઇષ્ટ ગ્રંથ બદલી દેવો.

૬-ગુરુની સ્પર્ધા કરવી.

૭-ગુરુને સાધ્યને બદલે સાધન બનાવવા.

૮-ગુરુની તુલના જ્ઞાન વૈરાગ્યને બદલે પૈસા હીરા-ઝવેરાતથી કરવી.

૯-ગુરુને અંધારામાં રાખી ખોટો પ્રચાર કરવો.

૧૦-ગુરુ ગાદીનાં વારસ બનવાની કામનાઓ કરવી.

Related posts

મજૂરોએ તબીબી સેવાનો લાભ લીધો:રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા “સ્કાઈલાઈન કેર્સ” બેનર હેઠળ નિ:શુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન

Reporter1

17th Gauravvanta Gujarati Awards honours outstanding achievers

Reporter1

TOMMY HILFIGER LANDS IN MUMBAI: A STYLISH IN-STORE TALK AND STAR-STUDDED BOLLYWOOD DINNER TO CELEBRATE FASHION, CULTURE & CREATIVITY

Reporter1
Translate »