Nirmal Metro Gujarati News
article

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

 

રામ આનંદનો પણ આનંદ છે.

આનંદને પણ આનંદ દેનારો આનંદદાતા રામ છે.

વિષમ પરિસ્થિતિમાં આપણા આનંદની કસોટી થાય છે.

મંજૂરી મળે તો આદિ કૈલાસ અને બંદરપૂંછમાં કથાગાન કરવું છે.

 

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ માત્ર સંયોગ નહિ ઇશ્વરીય સંકેત છે એવું કહેતા ઉતરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દેવભૂમિ અને જ્યોતિર્મઠ વતી આરંભે સૌનું સ્વાગત કર્યું.

ચમૌલી-નંદપ્રયાગમાં રામકથાનો બીજો દિવસ,મોસમ વિષમ પણ સદા સહજ સમ પર રહેતા બાપુએ ખરજ સ્વરથી સ્તુતિ કરીને કથાની માંડણી કરી.

એ પણ કહ્યું કે આદિ કૈલાશમાં કથા કરવી છે જો અહીં મંજૂરી આપે.સાધુ ક્યારે માગતો નથી પણ વિવેક કરું છું કે હનુમાન પૂંછ-બંદર પૂંછ સ્થાનથી જે ઓળખાય છે ત્યાં પણ-તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરીને-એક કથા કરવી છે અને આ શબ્દો ઉતરાખંડનાં મુખ્યમંત્રીની હાજરીમાં બાપુએ કહ્યા ત્યારે આખો સભામંડપ તાલીઓથી ગુંજી ઉઠ્યો.

ઉમેર્યું કે:મિડિયા અને અખબારો દ્વારા જોઉં છું કે યશસ્વી પ્રધાનમંત્રીએ જે નિર્ણયો કર્યા છે એને ખૂબ તરત પાલન કરનાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે. ઉત્તરાખંડ અને એની જનતા સંપન્ન,પ્રસન્ન અને પ્રપન્ન રહે એ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી.

વાલ્મિકી રામાયણનાં અયોધ્યાકાંડમાં રામ વનવાસ પછી કૌશલ્યા ખૂબ જ વિલાપ કરે છે.જોકે તુલસીકૃત રામાયણમાં કૌશલ્યા વ્યથિત જરૂર થયા છે.કૌશલ્યા પૂર્વ જન્મમાં શતરૂપા હતા અને ગોમતી તટ ઉપર તપ કરીને વરદાન માંગેલું ત્યારે ઈશ્વરે કહેલું કે પરમાત્મા સમાન મારા સમાન કોઈ નથી હું જ આપને ત્યાં પુત્ર બનીને સ્વયં આવીશ.

અહીં કૌશલ્યા ખૂબ રુદન કરે છે ત્યારે સુમિત્રા રામ વિશે બતાવે છે એ બે મંત્રો-જેમાં એમ કહે છે કે રામ આપના ઉદરમાંથી આવ્યા છે પણ અમારા ઉરમાં પણ રામ છે.રામ વનમાં રહે કે ભવનમાં,કોઈ પરિસ્થિતિ રામને હલાવી નહીં શકે.આખો એક અધ્યાય સુમિત્રાનાં ઉપદેશથી ભરેલો છે.

તો રામ કોણ?ત્યાંથી આજની કથાનો આરંભ થયો બે મંત્રોમાં કહે છે કે રામ સૂર્ય નહીં,સૂર્યવંશી જરૂર હશે પણ અનેક સૂર્યનો સૂર્ય,પરમ પ્રકાશ પુંજ છે. અવતાર,પ્રાગટ્ય અને જન્મ ત્રણેય શબ્દો સાથે રામ જોડાયેલા છે.

જન્મ જીવનો હોય છે,પ્રાગટ્ય પરમ શક્તિનું કોઈ એકાદ કાર્ય માટે થતું હોય-જેમ કે વરાહ પ્રગટ થયા.અવતારમાં આખું જીવન એવું દેખાડવું પડે જે યુગો સુધી કોઈ ભૂલી ન શકે.શંકરાચાર્ય આદિ આચાર્યો,ઠાકૂર રામકૃષ્ણ પરમહંસ,રમણ મહર્ષિ આ બધા અવતાર છે કારણ કે આખા જીવનમાં ખૂબ સંઘર્ષ સહન કરીને જીવ્યા છે.

રામના વિવાહ સમયે લખાયેલી પંક્તિમાં જન્મ શબ્દ લખ્યો છે.ભયે પ્રગટ કૃપાલા-ત્યાં પ્રાગટ્ય અને

વિપ્ર ધેનુ સુર સંત હીત લીન્હ મનુજ અવતાર-ત્યાં અવતારની વાત કરી છે.

રામ અગ્નિનો અગ્નિ છે.છતાં દાહક નથી શીતળ છે. પ્રભુનો પણ પ્રભુ છે,લક્ષ્મીના લક્ષ્મી,કીર્તિવાનોની કીર્તિ,યશવાનોનો યશ અને ક્ષમાવાનો માટેની ક્ષમા, પ્રભુતા ધારણ કરનારનો પ્રભુ,દેવતાઓનો દૈવત છે. પ્રાણીમાત્ર માટે પ્રાણ તત્વ છે.આવા રામ માટે વન કે ભવન કોઈ ફરક પડતો નથી એવું સુમિત્રા જણાવે છે તુલસી વધારે એક વસ્તુ ઉમેરે છે:રામ આનંદનો પણ આનંદ છે.આનંદને પણ આનંદ દેનારો આનંદદાતા છે ભગવાન બુદ્ધના શિષ્ય આનંદે તથાગતને આનંદની વ્યાખ્યા પૂછી ત્યારે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં ચિત્તની ભૂમિકા સહેજ પણ હલે નહીં એ આનંદ છે. તથાગત,શરણાગત અને અભ્યાગત-ત્રણ શબ્દ અધ્યાત્મ જગતમાં ખુબ સરસ રીતે મુકાયા છે.

વિષમ પરિસ્થિતિમાં આપણા આનંદની કસોટી થાય છે.

કથાપ્રવાહમાં વંદના પ્રકરણમાં જગ જનની જાનકી અને સીતારામની વંદના પછી જાનકીના નવ સ્થળ કે જે માણસની બુદ્ધિને નિર્મળ કરે છે.જેમાં:પૃથ્વી, જનકપુર,કનક ભુવન,તીર્થરાજ પ્રયાગ,ચિત્રકૂટ, પંચવટી,લંકા,વાલ્મિકી આશ્રમ અને પૃથ્વીની ગોદ એ સીતાના સ્થાન છે.

વિસ્તારથી રામનામ મહિમા,નામ વંદનાનું પ્રકરણ ગાઇને કુંભ સ્નાનમાં કલ્પવાસ પછી ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ જેમાં રામ તત્વ વિશેની વાત પૂછવામાં આવી ત્યાંથી હવે પછીની કથા આગળ જશે

Related posts

A patch of hope: Will Radhika’s innovative solution win over the Sharks?  

Reporter1

રામકથા સપ્તપદી છે

Reporter1

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન 

Reporter1
Translate »