શિવ વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે,રામ સત્યનું ઘનીભૂત સ્વરૂપ છે.
ભગવાન કૃષ્ણ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે.
શ્રી હનુમાનજી વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ છે.
જ્યાં બિલકુલ અભિમાન નથી એ જ્ઞાન છે.
બધામાં બ્રહ્મને સમાન રૂપે જોવું એ જ્ઞાન છે.
બાલકાંડ તપપ્રધાન,અયોધ્યાકાંડ ત્યાગપ્રધાન છે.
યહૂદી નરસંહારની પીડા-યાતનાઓની તેમજ અમાનુષી ક્રૂરતા-બર્બરતાની શાતા માટે કેટોવીસા-પોલેન્ડથી શનિવાર સાંજે મોરારિબાપુ દ્વારા રામકથાની આરાધના આ બીજ પંક્તિઓ સાથે થાય એ પહેલા કથા મનોરથી મૂળ ભારતીય લંડન નિવાસી શિતુલભાઇ પંચમતિયા ,રમાબેન પરિવારની દીકરીઓ તરફથી ખૂબ મૃદુ અને મિતભાષી ભાવપૂર્ણ આવકાર પ્રવચન થયું.
બાપુએ બે પંક્તિઓનું ગાન કર્યું:
*સહજ બિરાગ રુપ મનુ મોરા;*
*થકિત હોત જિમિ ચંદ ચકોરા.*
*-બાલકાંડ*
*કહિઅ તાત સો પરમ બિરાગી;*
*તૃન સમ સિધ્ધિ તીનિ ગુન ત્યાગી.*
*-અરણ્ય કાંડ.*
ભગવાન આશુતોષ અવઢરદાની મહાદેવની અસીમ કૃપાથી સાવનના સમાપનના દિવસે કથાનો આરંભ થઈ રહ્યો છે.કથાનો વિષય વિમાનમાં નીચે ઉતરતી વખતે આવ્યો કે વૈરાગ્યને કેન્દ્રમાં રાખીને ગાયન કરશું,સંવાદ કરીશું.વૈરાગ્ય શબ્દ સાંભળીને ગભરાશો નહીં.સંપન્ન દેશ અને સંપન્ન ભૂમિમાં મારી વ્યાસપીઠ આ વિષય પર બોલવાની તૈયારી કરે છે. રામચરિત માનસમાં વિરાગ,વિરાગા,વીરાગી,વિરાગું, વૈરાગી જેવા શબ્દો ઘણી વખત આવ્યા છે.
આટલું બોલ્યા પછી ગુરુકૃપાથી મને એક વાત પાકી થઈ ચૂકી છે કે શબ્દ બ્રહ્મ છે,અશબ્દ પરબ્રહ્મ છે. પણ બોલવા માટે માધ્યમ શબ્દનું જ લેવું પડે છે. રામચરિત માનસમાં જ્યાં વૈરાગ્યની ચર્ચા છે ત્યાં અર્થ એવો નથી કે આ બધી જ વિલાસીતાથી ભાગી જવું.પણ ગુરુકૃપાથી ભજન કરતાં કરતાં જીવનને એટલી ઊંચાઈ ઉપર લઈ જઈએ કે કોઈ છીદ્ર જ ન વધે જ્યાંથી વિલાસીતા પ્રવેશ કરી શકે.જ્યારે પણ ત્યાગની વાત આવે છે ઘણા મહાપુરુષો જોયા છે ક્ષણ માત્રનો વિલંબ કર્યા વગર ત્યાગ કરે છે.આપણે સંસાર છોડીને ભાગવું નથી.વૈરાગ્યનો સ્વભાવ અને એના સ્વરૂપની સમજ મેળવવી છે.
જેમ શિવ વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે,રામ સત્યનું ઘનીભૂત સ્વરૂપ છે,ભગવાન કૃષ્ણ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે.શ્રી હનુમાનજી વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ છે.
અહીં બે પંક્તિ એક બાલકાંડ અને બીજી અરણ્ય કાંડમાંથી લીધેલી છે.બાલકાંડની પંક્તિ જનકનાં મુખમાં અને અરણ્યકાંડની પંક્તિ ભગવાન રામના મુખમાં આવેલી છે.
આ વાત કરીને બાપુએ બંને પંક્તિની ભૂમિકાનો સંદર્ભ એક-એક પંક્તિનો એક-એક નાનામાં નાનો અર્થ કહી અને ભૂમિકા બાંધતા કહ્યું કે બાલકાંડના પ્રસંગ વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ પૂરો કરી રામ લક્ષ્મણને લઈ જનકપુરીની યાત્રા કરે છે.ધનુષ્ય યજ્ઞ પછી અહલ્યાના ઉદ્ધારની યાત્રા થઈ.આગળ ગંગા તટ ઉપર પૂછે છે કે આ કઈ નદી છે! વિશ્વામિત્ર ગંગા અવતરણની આખી કથા સંક્ષેપમાં કહે છે.જનકપુર પહોંચે છે અને ત્યાં જનકપુરીના વિલાસનું ખૂબ લાંબુ વર્ણન છે.અહીં એવો વિલાસ બતાવ્યો છે કોઈ નવું નગર સર્જન માટેની પ્રેરણા આપણને મળી શકે એવા રમણીય નગરની વાત કરી છે.એક એક પંક્તિ કહેતા કહ્યું રામની નજરથી બધું દેખાડે છે.ત્યાં વાવ,કુવા, ઘાટ અને સરિતાની આસપાસ મણિઓ લગાવેલા છે કીમતી રત્નો છે.ભમરાઓ અને પક્ષીઓ કુંજારવ કરે છે.ત્રણ પ્રકારના વાયુઓ વહી રહ્યા છે.કમળ ખિલ્યા છે.નગરની રમણીયતા અવર્ણનીય છે.પ્રત્યેક નરનારી સુંદર છે,પવિત્ર છે,સંત,ધર્મશીલ અને જ્ઞાની છે.અને જનકનો મહેલ જોઈને દેવતાઓ પણ ચકિત થઈને જોયા કરે છે.ધવલ મકાન છે જેમાં સીતા શાંતિ ભક્તિ રહે છે.સુર સચિવોના ઘર રાજાના ઘર સમાન છે.
હવે વિશ્વામિત્રની દ્રષ્ટિથી બતાવે છે વિશ્વામિત્રની દ્રષ્ટિ આમ્રકુંજમાં જાય છે અમરાઇને જોઈને રામને કહે છે કે આપણે અહીં વિશ્રામ કરીશું.વિશ્વામિત્રને આવેલા જાણીને જનક બ્રાહ્મણો શૂરવીરો સચિવોની સાથે મળવા આવે છે.એ જ વખતે બંને ભાઈનો પ્રવેશ થાય છે. બધા જ ઊભા થઈ જાય છે.જનક ચકિત થઈને જોઈ રહ્યા છે.શરીર પુલકીત થાય છે. આંખોમાં આંસુ અને વાણી ગદગદ થઈ જાય છે. આવી દશામાં જનક વિશ્વામિત્રને પૂછે છે.આ બાળકો કોણ છે? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે જ્યાં પણ સૃષ્ટિ છે એ બધા જ ને આ રાજકુમારો પ્રિય છે અને અહીં બીજી પંક્તિ અરણ્યકાંડની ભૂમિકા કહેતા કહ્યું કે ભગવાન ગોદાવરીના તટ પર પંચવટીમાં નિવાસ કરે છે.પ્રસન્નતાથી બેઠા છે અને લક્ષ્મણ એમને પાંચ પ્રશ્નો પૂછે છે: જ્ઞાન શું છે?વૈરાગ્ય શું છે?માયા શું છે?ભક્તિ શું છે?ઈશ્વર અને જીવમાં ભેદ શું છે?ત્યારે રામ એના જવાબ ક્રમમાં નથી આપતા પણ પહેલા માયા વિશે કહે છે મેં અરુ મોર તોર તે માયા! આટલી નાની અને સટીક વ્યાખ્યા ક્યાંય દેખાતી નથી.હું અને મારું તું અને તારું એ માયા છે.જ્યાં બિલકુલ અભિમાન નથી એ જ્ઞાન છે બધામાં બ્રહ્મને સમાન રૂપે જોવું એ જ્ઞાન છે.અહીં બીજી પંક્તિ આવે છે જે તીનકાની-તણખલાની માફક સમસ્ત સિદ્ધિઓને ત્યાગે છે એ પરમ વિરાગી છે.ત્રણે ગુણથી જે મુક્ત થઈ જાય છે એ પરમ વિરાગી છે એવું રામ કહે છે.
ભરૂચના આશ્રમના તદરૂપાનંદજીએ ભતૃહરિનાં વૈરાગ્ય શતક ઉપર ટીકા લખેલી ત્યારે ઈચ્છા થાય છે કે ક્યારેક માનસ શૃંગાર શતક ઉપર પણ કથા કરવી છે.અષ્ટાવક્ર પણ વૈરાગ્ય વિશે ખૂબ બોલ્યા છે. ત્યાગથી શાંતિ અને વૈરાગ્યથી શાંતિનાથ-ભગવાન રામ મળે છે.
અહીંથી માત્ર ૩૫ કિલોમીટર દૂર હિટલરે લાખો યહૂદીઓની કતલ કરેલી એ ભૂમિ વિશેની વાત કરીને બાપુએ કહ્યું કે પ્રાર્થના કરીશું,ઇતિહાસમાં નહીં જઈએ દુનિયા આખી માં શાંતિ ફેલાય એ માટે પ્રાર્થના કરીશું.
એ પછી ગ્રંથ પરિચય કહેતા કહ્યું બાલકાંડ તપ પ્રધાન છે,અયોધ્યાકાંડ ત્યાગ પ્રધાન,અરણ્યકાંડ પતિવ્રતના ધર્મનો પ્રધાન,કિષ્કિંધાકાંડ તૃષા પ્રધાન, સુંદરકાંડ તરણ પ્રધાન,લંકાકાંડ તારણ પ્રધાન અને ઉત્તર કાંડ તૃપ્તિનો કાંડ છે.
સાત સોપાનો,પહેલા સોપાનના સાત મંત્રો,વાણી અને વિનાયકની વંદના,એક એક વંદના બાદ ગુરુ વંદના અને અંતે હનુમંત વંદના સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો.