રામ સાક્ષાત ધર્મમૂર્તિ છે,સીતા ભક્તિમૂર્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય મૂર્તિ છે.
જીભનો રસ છૂટે એ જીભનો વૈરાગ્ય છે.
ક્યારેક બોલવાનું ઓછું થાય એ પણ જીભનો વૈરાગ્ય છે
એકલા કોઈ ખૂણામાં બેસીને વિચારવાનું પણ બંધ થઈ જાય એ મનનો વૈરાગ્ય છે.
બધું જાણવાની કોશિશ સમાપ્ત થઈ જાય એ બુદ્ધિનો વૈરાગ્ય છે.
આત્મા પરમ વૈરાગી છે.
સાત પ્રવાહમાં વહેતા બચાવે એવા કોઇ અનુવિરાગીની આજે જરુર છે.
વૈરાગ્ય રસિક હોવો જોઈએ અને સૌથી મોટા વૈરાગી તો આપણા શરીરમાં જેટલા અંગ છે એ ક્યારેક ને ક્યારેક વૈરાગી બની શકે છે-એવું નિવેદન કરતા આઠમા દિવસની કથાનો પોલેન્ડથી બાપુએ આરંભ કર્યો.
હાથમાં પકડી રાખેલી વસ્તુ કોઈ જરૂરત મંદોને આપીએ એ હાથનો વૈરાગ્ય છે.આપણે કોઈ પદ કે સ્થાન ઉપર હોઇએ અને એ પદ છોડી દઈએ એ ચરણનો વૈરાગ્ય છે.આપણી નાસિકા સુગંધ-દુર્ગંધ બધાને ગ્રહે છે.યોગીની નાસિકા સુગંધ-દુર્ગંધથી મુકત હોય છે એ નાસિકાનો વૈરાગ્ય છે.
લક્ષ્મણ નામના વૈરાગીએ શૂર્પણખાનાં નાક કાન કાપ્યા અને એને વૈરાગ્ય પ્રદાન કર્યો.
સંન્યાસી સાધુઓ સન્યાસ દીક્ષા આપે,વૈષ્ણવ સાધુ વૈષ્ણવી દીક્ષા આપે,બૌદ્ધ સાધુ બૌદ્ધ દીક્ષા આપે એમ વૈરાગી સાધુ છે એ વૈરાગ્યની દીક્ષા આપે!
ભરત ધર્મનો સાર છે,મહાદેવ ધર્મનું મૂળ છે તો રામ શું છે?રામો વિગ્રહવાન ધર્મ.રામ સાક્ષાત ધર્મમૂર્તિ છે સીતા ભક્તિમૂર્તિ છે અને લક્ષ્મણ વૈરાગ્ય મૂર્તિ છે. સંન્યાસીને અગ્નિ અને સ્ત્રીથી દૂર રહેવાનું હોય છે. પણ વૈરાગી બધા જ પ્રકારના ધુણા તાપે છે એને પ્રતિબંધ હોતો નથી.વૈરાગી સાધુને કોઈ કંઈ આપે તો એ કદાચ લઈ લેશે પણ સાંજ થતાં સુધીમાં બીજાને આપી દેશે.વૈરાગી સાધુ અગ્નિની સપ્ત જીહ્વાનો મર્મજ્ઞ બની જાય છે.
શરીરમાં જેટલા અંગ છે ઓછી-વધુ માત્રામાં વૈરાગી છે.જીભનો રસ છૂટે એ જીભનો વૈરાગ્ય છે.
ક્યારેક બોલવાનું ઓછું થાય એ પણ જીભનો વૈરાગ્ય છે.વૈરાગી સાધુ મિતભોગી હોય છે એ પેટનો વૈરાગ્ય છે.એકલા કોઈ ખૂણામાં બેસીને વિચારવાનું પણ બંધ થઈ જાય એ મનનો વૈરાગ્ય છે.બધું જાણવાની કોશિશ સમાપ્ત થઈ જાય એ બુદ્ધિનો વૈરાગ્ય છે.બધેથી ચિત હટી જાય અને એક જ ચિંતન રહે એ ચિત્તનો વૈરાગ્ય છે.હું હું કરવા જેવું મારામાં કંઈ નથી એ અહંકારનો વૈરાગ્ય છે.
કબીર કહે છે:
મૈના ને મૈ ના કહા મોલ ભયો દસ બીસ;
બકરીને રાત દિન મૈૈં મૈં કિયા કબીર કપાયો શીશ.
વૈરાગી આપણી આત્મા હોય છે.આત્મા જ્યારે જીવનને સ્પર્શે ત્યાં સુધી એ જીવાત્મા છે એ જ આત્મા કોઈ પરમનો સ્પર્શ કરે તો પરમાત્મા બની જાય છે.
જનક અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ પણ અહીં રજૂ થયો.જનક પૂછે છે કે મોટામાં મોટો પ્રકાશ કોનો છે જેમાં બધા જ પ્રકારના કાર્ય કરી શકાય?જવાબ મળ્યો સૂર્યનો પ્રકાશ.સુરજ ન હોય તો માણસ કયા પ્રકાશમાં બેસે છે?ચંદ્રના પ્રકાશમાં.ચંદ્ર ન હોય ત્યારે અગ્નિની જ્યોતિ,એ ન હોય ત્યારે વાણીનાં પ્રકાશમાં વાણી પણ મૌન બની જાય ત્યારે આત્મ જ્યોતિ. આત્મ પ્રકાશ ભેદ અને દોષ મિટાવી દે છે.આત્મા પરમ વૈરાગી છે.
સ્વર્ગમાંથી સિધા મૃત્યુલોકમાં આવનાર માણસના ચાર લક્ષણો ચાણક્ય કહે છે:દાન ઘણું જ કરતો હશે એની વાણી મધુર હશે,એ દેવોનું અર્ચન અને બ્રાહ્મણોને સંતુષ્ટ કરતો હશે અને જે નરકથી સીધો આવતો હશે એના વિશે ચાણક્ય કહે છે અત્યંત ક્રોધી હશે,વાણીમાં કટુતા કડવાશ હશે,વિચારોની પણ ગરીબી હશે,સ્નેહીજનો સાથે વેર હશે,હલકા લોકો સાથે ઉઠતો બેઠતો હશે અને કૂલહીનની સેવા કરતો હશે.
અહીં તુલસીની એક સરસ ચોપાઈ વિશે વાત કરતા કર્યું કે સ્વર્ગ અને નરક સાપેક્ષ છે.અનુરાગ-વિરાગ પણ સાપેક્ષ છે.આવા સાપેક્ષ શબ્દોની પંક્તિઓનું ગાન કર્યું.
સરગ નરક અનુરાગ બિરાગા;
નિગમાગમ ગુણ દોષ બિભાગા.
જેનામાં વૈરાગ્ય હશે નીચે જોશો તો અનુરાગ દેખાશે નાચતો,ગાતો અને હસતો વૈરાગ્ય,નારદ એના છ પ્રેમ સૂત્ર કહે છે બધા જ સૂત્રો વૈરાગ્યને પણ લાગુ પડે છે એટલે જ આવા અનુરાગ-વૈરાગને હું અનુવિરાગ એવું નામ આપું છું.
અહીં સાત પ્રકારના પ્રવાહો છે એને આવા અનુવિરાગીની જરૂરત છે જેમાં કાલપ્રવાહ,યુગ પ્રવાહ,પોતાનો પ્રવાહ,પરિવારનો પ્રવાહ,ધર્મ પ્રવાહ અને રાષ્ટ્રપ્રવાહ એને કોઈ અનુવિરાગીની જરૂરત છે.
આજની કથા અરણ્ય કાંડ નવધા ભક્તિનાં ગાનમાં વહી.