Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન આરોપીનો અધિકાર

  • ઉમર ખાલિદ કેસ પર બોલ્યા ડી.વાય. ચંદ્રચૂડ
  • પૂર્વ મુખ્ય ન્યાયધીશે જયપુર સાહિત્ય ઉત્સવમાં કહ્યું કે, ગુનો સાબિત થતા પહેલા જામીન આરોપીનો અધિકાર હોવો જોઈએ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૬ – દેશના પૂર્વ મુખ્ય ન્યાયધીશ ડી.વાય. ચંદ્રચૂડે રવિવારે જયપુર સાહિત્ય ઉત્સવમાં કહ્યું કે, ગુનો સાબિત થતા પહેલા જામીન દરેક આરોપીનો અધિકાર હોવો જોઈએ. તેમણે આ વાત વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીના સવાલના જવાબમાં કહી, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદની દિલ્હીમાં હિંસાના ષડયંત્ર મામલે જામીન ફગાવવાને લઈને ચર્ચા થઈ હતી.

અહીં ૧૯મા જયપુર સાહિત્ય મહોત્સવમાં ‘આઈડિયાઝ ઓફ જસ્ટિસ’ સત્ર દરમિયાન વરિષ્ઠ પત્રકાર વીર સાંઘવી દ્વારા શરૂઆતમાં જ ઉમર ખાલિદની જામીનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ન્યાયમૂર્તિ (રિટાયર્ડ) ચંદ્રચૂડે કહ્યું, “દોષ સાબિત થાય એ પહેલાં જામીન મળવા એ અધિકાર છે. આપણો કાયદો એ ધારણા પર આધારિત છે કે કોઈ પણ આરોપી વ્યક્તિ, ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે.”

વિવિધ કેસોના ઉદાહરણ આપતાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો આરોપી સમાજમાં પાછા જઈને ફરી ગુનો કરે, પુરાવા સાથે ચેડાં કરે અથવા જામીનનો લાભ લઈને કાયદાની પકડથી ભાગી જવાની શક્યતા હોય, તો આરોપીને જામીન આપવાનો ઇનકાર કરી શકાય છે.

તેમણે આગળ કહ્યું, “જો આ ત્રણેય આધાર નથી, તો જામીન આપવા જ પડે. મને લાગે છે કે જ્યાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય, ત્યાં કોર્ટની ફરજ છે કે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરે. નહીં તો લોકો વર્ષો સુધી જેલમાં બંધ રહે છે.” ભારતીય આપરાધિક ન્યાય પ્રક્રિયામાં કેસોના નિકાલમાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે દેશનું બંધારણ સર્વોચ્ચ કાયદો છે અને તેમાં કોઈ મજબૂત અપવાદ નથી. જો ઝડપી સુનાવણીમાં વિલંબ થાય, તો આરોપી જામીન મેળવવાનો અધિકારી બને છે.

સત્ર અને જિલ્લા અદાલતો દ્વારા જામીન ન આપવામાં આવવાને પૂર્વ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે, પ્રાધિકારીઓ પ્રત્યે અવિશ્વાસ વધ્યો છે અને ન્યાયાધીશોને એ ભય સતાવે છે કે ક્યાંક તેમની નિષ્ઠા પર પ્રશ્ન તો નહીં ઉઠે.
તેમણે કહ્યું કે આ જ કારણ છે કે જામીન સંબંધિત મામલાઓ અંતે ઉચ્ચ ન્યાયાલય સુધી પહોંચે છે.

Related posts

ચાંદીની કિંમતમાં સતત ઘટાડો, ૪.૨૦થી ૨.૫૦ લાખ પહોંચ્યું

Master Admin

Amazon.in દ્વારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની જાહેરાત – 8 ઓક્ટોબર, 2026થી શરૂ થશે

Master Admin

ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે

Master Admin
Translate »