તંત્રીની કલમે….
ભારતના આર્થિક વિકાસના નકશા પર ગુજરાત હંમેશા એક અગ્રેસર રાજ્ય રહ્યું છે. લોથલના સમયથી જળમાર્ગો સાથે આપણો નાતો અત્યંત પ્રાચીન છે, પરંતુ આધુનિક યુગમાં રસ્તા અને રેલ્વેના વ્યાપ વચ્ચે નદીઓના માધ્યમથી થતો પરિવહન વ્યવહાર ક્યાંક ઓઝલ થઈ ગયો હતો. ૨૦૨૬ના આ પ્રારંભિક તબક્કે, જ્યારે કેરળના કોચીમાં આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ (ૈંઉડ્ઢઝ્ર ૩.૦) ની ત્રીજી બેઠક મળી રહી છે, ત્યારે ગુજરાત માટે આ માત્ર એક સરકારી બેઠક નથી, પણ રાજ્યના વેપાર અને પરિવહન ક્ષેત્રે એક નવા સૂર્યોદયની પ્રતીક્ષા છે.
ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો છે, જે કુદરતની એક અનમોલ ભેટ છે. પરંતુ આ દરિયાકિનારાની સાથે સાથે રાજ્યની મહી, સાબરમતી, નર્મદા અને તાપી જેવી જીવાદોરી સમાન નદીઓને પણ હવે પરિવહન માટે તૈયાર કરવામાં આવી રહી છે. ગૂજરાતના પાંચ મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો – NW66, NW87, NW73, NW100 અને કચ્છના રણનો માર્ગ – આ પાંચેય ધમધમતા રસ્તાઓ પરના બોજને ઘટાડવા માટે ગેમ-ચેન્જર સાબિત થવાના છે. ખાસ કરીને નર્મદા અને સાબરમતીના નીરમાં જ્યારે કાર્ગો જહાજો અને ક્રૂઝ લાઇનર્સ તરતા થશે, ત્યારે તે ગુજરાતના ઔદ્યોગિક હબ માટે નવી લાઈફલાઈન સમાન બની રહેશે.
આ વૂહરચના પાછળનો સૌથી મોટો તર્ક ‘લોજિસ્ટિક્સ કોસ્ટ’ એટલે કે પરિવહન ખર્ચ ઘટાડવાનો છે. ભારતમાં પરિવહન ખર્ચ ચીન કે પશ્ચિમી દેશોની સરખામણીએ ઘણો ઊંચો છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડે છે. માર્ગ પરિવહનની સરખામણીએ જળમાર્ગો દ્વારા થતું પરિવહન અનેકગણું સસ્તું અને પર્યાવરણને અનુકૂળ છે. એક અંદાજ મુજબ, રેલ્વે કે ટ્રક દ્વારા જે માલ મોકલવામાં આવે છે તેના કરતા પાણીના માર્ગે માલ મોકલવાથી ઈંધણનો વપરાશ ખૂબ જ ઓછો થાય છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓ જ્યારે વ્યાપારી ધોરણે નેવિગેશન માટે ખુલ્લી મૂકવામાં આવશે, ત્યારે ટ્રકોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સમસ્યામાંથી તો મુક્તિ મળશે જ, પણ સાથે સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન પણ ઘટશે.
IWDC ૩.૦ ના એજન્ડામાં જે રીતે ‘ગ્રીન વેસલ્સ’ (હરિત જહાજો) ને પ્રોત્સાહન આપવાની વાત છે, તે જોતા ભવિષ્યમાં ગુજરાતની નદીઓમાં પ્રદૂષણમુક્ત જહાજો ફરતા જોવા મળશે. નર્મદા નદી પર જે રીતે નૌકાયન વિસ્તારવાનો અભ્યાસ ચાલી રહ્યો છે, તે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વેપારને એક નવી દિશા આપશે. આ માત્ર કાર્ગો એટલે કે માલસામાન પૂરતું સીમિત નથી. રિવર ક્રૂઝ ટુરીઝમનો જે કોન્સેપ્ટ આ પરિષદમાં રજૂ થયો છે, તે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ખંભાતના અખાત સુધીનો પ્રવાસ જો જળમાર્ગે શક્ય બને, તો પ્રવાસીઓ માટે તે એક અદભુત અનુભવ હશે અને સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો આવશે.
જોકે, આ કાયાપલટ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું સંકલન અત્યંત અનિવાર્ય છે. ’સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ્સ’ દ્વારા પ્રોજેક્ટ્સને ઝડપથી અમલમાં મૂકવાની જે નેમ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે વ્યક્ત કરી છે, તે આવકારદાયક છે. નદીઓમાં ડ્રેજિંગ એટલે કે ઉંડાઈ વધારવાની કામગીરી અને આધુનિક જેટીઓનું નિર્માણ એ ટેકનિકલ પડકારો છે, પરંતુ ટેકનોલોજીના યુગમાં આ અશક્ય નથી. ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જળમાર્ગોનું નિયમન કરવાથી પારદર્શિતા અને સલામતી બંને વધશે.
અંતમાં કહી શકાય કે, નાણાકીય વર્ષ ૨૦૨૬ ના આ વળાંક પર ભારત જ્યારે ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા તરફ અગ્રેસર છે, ત્યારે ગુજરાતના આંતરદેશીય જળમાર્ગો તેમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. નર્મદા અને સાબરમતીના જળ માત્ર ખેતી કે પીવા માટે જ નહીં, પણ હવે વેપારના વહાણો હંકારવા માટે પણ સજ્જ થઈ રહ્યા છે. આ પરિવર્તન ગુજરાતને વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે. જળમાર્ગોનો આ વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ રાજ્યની આર્થિક સમૃદ્ધિની નવી ગંગોત્રી છે.
નરેન્દ્ર જોષી

