Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૯૫૦ કરોડના શક્તિ કોરિડોરનું કર્યું ખાતમુહૂર્ત

અંબાજી બનશે વર્લ્ડ ક્લાસ

મંદિર, ગબ્બર અને માનસરોવર એક સૂત્રે બંધાશે, મલ્ટી લેવલ પાર્કિંગ અને એમ્ફી થિયેટર જેવી સુવિધાઓનો થશે ઉમેરો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાજી, તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિના ધામમાં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે આનંદના સમાચાર છે. કાશી વિશ્વનાથ અને મહાકાલ લોકની તર્જ પર હવે અંબાજીમાં પણ ભવ્ય શક્તિ કોરિડોર આકાર પામવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજી ખાતે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના ૯૫૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યની જરૂરિયાતો અને વધતા જતા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને આગામી ૨૫ વર્ષનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કુલ ૧,૬૩૨ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટથી અંબાજીની સુરત બદલાઈ જશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય મંદિર, ગબ્બર અને માનસરોવરને એકબીજા સાથે જોડીને યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે.
મુખ્યમંત્રીએ જે કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, તેમાં યાત્રિકો માટે અનેકવિધ ટુરિસ્ટ એમેનિટીઝ નો સમાવેશ થાય છે. જેમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વિશાળ મલ્ટી લેવલ પાર્કિંગ, યાત્રિકોની સુરક્ષા માટે અંડરપાસ રોડ અને પાથવે તથા રોકાણ માટે અત્યાધુનિક યાત્રી નિવાસ બનાવવામાં આવશે. આ સુવિધાઓથી ભક્તોનો સમય બચશે અને દર્શનનો અનુભવ વધુ સુખદ બનશે.

આધુનિક સુવિધાઓ ઉપરાંત સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે પણ આયોજન કરાયું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્ફી થિયેટર, દિવ્ય દર્શન ચોક અને વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શો નો સમાવેશ થાય છે. આનાથી અંબાજી માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ એક પ્રવાસન હબ તરીકે પણ વિકસશે.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરના યાત્રાધામોનું વિકાસ ભી વિરાસત ભી ના મંત્ર સાથે નવિનીકરણ થઈ રહ્યું છે. કાશી, કેદારનાથ અને અયોધ્યાની જેમ હવે ૫૧ શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા અંબાજીનો પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થશે.” તેમણે તાજેતરમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં ૫ લાખ થી વધુ ભક્તો જોડાયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

અંબાજીના વિકાસમાં કનેક્ટિવિટીનો મુદ્દો ખૂબ મહત્વનો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ આ વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. રેલવે સુવિધા શરૂ થવાથી દૂરના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે યાત્રા સરળ બનશે, જેનાથી સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે.

આ ગૌરવશાળી સમારોહમાં મંત્રીઓ સર્વ પ્રવીણભાઈ માળી, ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને ઉત્તર ગુજરાતની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

સુરતમાં દારૂના નશામાં કારે એક પછી એક ત્રણ વાહનોને લીધા અડફેટે

Master Admin

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી

Master Admin

ચોથા રાઉન્ડ બાદ પણ ૫૦૦૦થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો

Master Admin

Leave a Comment

Translate »