Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

તંત્રની ઘોર બેદરકારી સામે રોષ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો કણો

એક ઘરના નળમાંથી પાણીની સાથે સાપનું બચ્ચું અને જીવાતો નીકળતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને આક્રોશ ફેલાયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: સ્માર્ટ સિટી અમદાવાદના મધ્ય ઝોનમાં આવતા જમાલપુર વોર્ડના રહેવાસીઓ અત્યારે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. મિરઝાપુર વિસ્તારમાં આવેલી ’નનું શેઠની ચાલી’ (જે નમક ની ચાલી તરીકે ઓળખાય છે) માં છેલ્લા છ મહિનાથી ગંદા પાણીની સમસ્યાનો પ્રશ્ન છે. જો કે આજે સવારે જે ઘટના બની તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ’શુદ્ધ જળ’ ના દાવાઓની પોલ ખોલી નાખી છે. અહીં એક ઘરના નળમાંથી પાણીની સાથે સાપનું બચ્ચું અને જીવાતો નીકળતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને આક્રોશ ફેલાયો છે.

નનું શેઠની ચાલીમાં રહેતા હાજરાબેન રફયુદીન (ઘર નંબર ૮૮૧/૫) ના ઘરે આજે સવારે જ્યારે પાણી આવ્યું, ત્યારે તેમાં જીવાતોની સાથે સાપનું નાનું બચ્ચું પણ જોવા મળ્યું હતું. છેલ્લા છ મહિનાથી અહીંના રહીશો ઓછું પ્રેશર અને ગટર મિશ્રિત ગંદા પાણીની ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને આ અવાજ પહોંચતો નથી. શું અમદાવાદના નાગરિકો ટેક્સ ભર્યા પછી પણ આવું પ્રદૂષિત અને જોખમી પાણી પીવા માટે લાયક છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) માં છેલ્લા ચાર દિવસથી પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે. પૂર્વ વિસ્તારના નાગરિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જમાલપુર વોર્ડના કાઉન્સિલર રફીક શેખ સ્વીકારે છે કે, ટેકનિકલ સમસ્યા હોઈ શકે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર મોકલવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. લોકો નાહ્યા-ધોયા વગર ઓફિસે જવા મજબૂર બન્યા છે અને શૌચક્રિયા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે પણ પાણી ઉપલબ્ધ નથી.

જ્યારે લોકોએ આ અંગે ફરિયાદ કરવા મધ્ય ઝોન અને પ્રોજેક્ટ ખાતાના અધિકારીઓને ફોન કર્યા, ત્યારે જવાબદારીમાંથી છટકવા માટે અધિકારીઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા.

પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયેલા શાસક પક્ષ અને વહીવટી તંત્ર માટે આ શરમજનક બાબત છે. નાગરિકોને ગટરનું પાણી અને જીવાતવાળું પાણી પીવડાવીને તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. જો આ પ્રદૂષિત પાણી પીવાથી કોઈ મોટી બીમારી ફેલાશે અથવા કોઈ જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આ મામલે તાત્કાલિક સંજ્ઞાન લઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ, અન્યથા નાગરિકોનો આક્રોશ આગામી સમયમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

Related posts

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

Master Admin

અમદાવાદના નિકોલમાંથી પોલીસે ૨ કરોડનું સમુદ્રી સોનું ઝડપ્યું

Master Admin

ભારતની પ્રથમ સ્પિન રેવ ઇવેન્ટ કવિશા યુફિટ ફ્લો ફેસ્ટમાં 1,000 થી વધુ લોકોએ ભાગ લીધો, જેમાં એક સમયે 100 થી વધુ લોકોએ સ્પિન કર્યું

Master Admin

Leave a Comment

Translate »