Nirmal Metro Gujarati News
international

સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવાની હરીફાઈ!

અમેરિકા બાદ હવે ચીને આપી ખાસ ઓફર

બેઇજિંગ હવે ભારત સાથેના સંબંધોને દુશ્મનીના બદલે સહયોગની દૃષ્ટિએ જોવા મજબૂર થયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજીંગ, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારતની વિદેશ નીતિ માટે વર્ષ ૨૦૨૬ એક નવીન ઊર્જા લઈને આવ્યું છે. એક બાજુ, ભારતને સતત ધમકીઓ આપનારા ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર લાદેલા ટૅરિફ પાછા ખેંચવાની ફરજ પડી છે, તો બીજી બાજુ હિમાલયની સરહદેથી પણ શાંતિના પવન ફૂંકાઈ રહ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગના તાજેતરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, બેઇજિંગ હવે ભારત સાથેના સંબંધોને દુશ્મનીના બદલે સહયોગની દૃષ્ટિએ જોવા મજબૂર થયું છે.

ચીની રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર જણાવ્યું કે, ચીન ભારત સાથે મળીને એ સંમતિ પર આગળ વધવા તૈયાર છે જ્યાં બંને દેશો એકબીજાના વિકાસમાં ભાગીદાર બને. વર્ષોના તણાવ અને કડવાશ બાદ ચીનનું આ વલણ સંબંધોમાં નરમાશનો સંકેત આપે છે. આ આર્થિક રણનીતિઓનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યવહારિક સહયોગને ફરીથી મજબૂત બનાવી પરસ્પર લાભનો વ્યાપ વધારવાનો છે.

ચીને બ્રિક્સની અધ્યક્ષતા માટે ભારતનું મજબૂત સમર્થન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી શક્તિને સ્વીકારવી એ ચીનની વ્યૂહાત્મક મજબૂરી છે. ચીની રાજદૂતે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને નાગરિક સંવાદ વધારવા પર પણ ભાર મૂક્યો છે.
આર્થિક ભીંસઃ ચીન હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ભારત જેવા મોટા બજારને અવગણવું તેને આર્થિક રીતે ભારે પડી રહ્યું છે, જેના કારણે ચીની કંપનીઓને મોટું નુકસાન થયું છે.

અમેરિકા-ભારત નિકટતાઃ અમેરિકા સાથે ભારતની મજબૂત સંરક્ષણ અને વ્યાપારિક ભાગીદારીથી ચીનને ડર છે કે જો તે નમતું નહીં જોખે તો ભારત સંપૂર્ણપણે પશ્ચિમી દેશોના પક્ષે જતું રહેશે. ગ્લોબલ સાઉથનો પ્રભાવઃ બદલાતા વૈશ્વિક સમીકરણોમાં ભારત ’ગ્લોબલ સાઉથ’નું નેતા બનીને ઉભર્યું છે. ચીન જાણે છે કે એશિયામાં પ્રભુત્વ જાળવવા માટે ભારતીય સહયોગ અનિવાર્ય છે.

ચીનના શાંતિ પ્રસ્તાવને ભારત સાવચેતીથી જોઈ રહ્યું છે. ૨૦૨૦ની ગલવાન ઘટના બાદ ઊભું થયેલું ’વિશ્વાસનું સંકટ’ માત્ર નિવેદનોથી દૂર નહીં થાય. ભારતનું વલણ સ્પષ્ટ છેઃ સરહદ પર સંપૂર્ણ શાંતિ અને જૂની સ્થિતિ પાછી ન આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય થવા અશક્ય છે.

ભારત અત્યારે અમેરિકાની સંરક્ષણ ટૅક્નોલૉજી અને ચીનના વ્યાપારિક લાભ વચ્ચે પોતાની ’વ્યૂહાત્મક સ્વાયત્તતા’ જાળવી રહ્યું છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈ પણ શક્તિના દબાણમાં આવ્યા વિના પોતાની શરતો પર સંબંધો જાળવી રાખશે. ભારત ભાગીદારી માટે તૈયાર છે, પરંતુ પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ સમજૂતી કરશે નહીં.

Related posts

ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, ચીન-અમેરિકા છોડશે પાછળ

Master Admin

ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું : રશિયા

Master Admin

ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU

Master Admin

Leave a Comment

Translate »