Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારત પર વધુ ટેરિફ ઝીંકવાનું બહાનુ શોધી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકન સાંસદનો મોટો દાવો

તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન,તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ ભારત વિરુદ્ધ ભારે ટેરિફ (આયાત શુલ્ક) લાદવા માટે બહાના શોધી રહ્યા છે. અમેરિકી સાંસદ બ્રેડ શર્મન દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, ભારતને જ અલગથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને તેમણે ટ્રમ્પ સરકાર પાસે આ નીતિ બદલવાની માંગ કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.

શર્મને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર વધુ ટેરિફ લાદવા માટે બહાના શોધી રહ્યા છે.” તેમણે વધુમાં લખ્યું કે, “તેઓ દાવો કરી રહ્યા છે કે, આનું કારણ રશિયન તેલ છે. જ્યારે હંગેરી તેના તેલનો ૯૦ ટકા હિસ્સો કોઈપણ ટેરિફ વગર રશિયા પાસેથી આયાત કરે છે. રશિયાના મોટા ખરીદદાર ચીન પર પણ રશિયન તેલની ખરીદીને કારણે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.” સાંસદે ઉમેર્યું કે, “ભારત રશિયા પાસેથી માત્ર ૨૧ ટકા ક્રૂડ ઓઈલ લે છે, તેમ છતાં આપણા મિત્ર દેશને જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિએ તાત્કાલિક આ નીતિ બદલવી જોઈએ.”

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, જાન્યુઆરીમાં અમેરિકામાં ભારતની વસ્તુઓની નિકાસ ૨૧.૭૭ ટકા ઘટીને ૬.૬ અબજ અમેરિકી ડોલર રહી ગઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં પણ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે ૨૨.૬૧ ટકા વધી હતી. બીજી તરફ, જાન્યુઆરીમાં અમેરિકાથી આયાત ૨૩.૭૧ ટકા વધીને ૪.૫ અબજ ડોલર થઈ છે.

અમેરિકાએ ૨૭ ઓગસ્ટથી ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા શુલ્ક લાગુ કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરાર પર સહમતિ થઈ છે. ૭ ફેબ્રુઆરીથી ભારતીય વસ્તુઓ પરનો ૨૫ ટકા દંડાત્મક શુલ્ક હટાવી દેવામાં આવ્યો છે અને વળતો શુલ્ક ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે.

ટેરિફ નીતિ પરના એક નવા રિપોર્ટે મોટા સવાલો ઉભા કર્યા છે. અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે, આયાત શુલ્કનો બોજ વિદેશી કંપનીઓ અને સરકારો પર પડશે, પરંતુ તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ શુલ્કનો લગભગ ૯૦ ટકા ખર્ચ અમેરિકી ગ્રાહકો અને વેપારીઓએ જ ઉઠાવ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂયોર્ક સાથે જોડાયેલા અર્થશાસ્ત્રીઓના વિશ્લેષણમાં આ તારણ બહાર આવ્યું છે.

’યુએસએ ટુડે’ના અહેવાલ મુજબ, ટેક્સ ફાઉન્ડેશનના રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે, ૨૦૨૫માંઃ દરેક અમેરિકી પરિવાર પર ૧૦૦૦ ડોલરનો વધારાનો બોજ પડ્યો. ૨૦૨૬માં આ બોજ વધીને ૧૩૦૦ ડોલર થવાનો અંદાજ છે.

Related posts

રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો ૧૬નાં મોત થયા

Master Admin

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈકઃ હોસ્પિટલ પર બોમ્બવર્ષા

Master Admin

કેટલો ખતરનાક છે ઇબોલા વાયરસ, જેનાથી કોંગોમાં ૮૦ લોકોના મોત

Master Admin

Leave a Comment

Translate »