હારીજ નગરપાલિકામાં ભડકો
પક્ષ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખ સામે પગલાં લેવામાં નહીં આવે, તો સભ્યોએ સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ,તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખ-ઉપપ્રમુખ સામસામે આવી ગયા છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આજે નગરપાલિકાના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને નવુંજૂનીના એંધાણ આપ્યા છે. જો પક્ષ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખ સામે પગલાં લેવામાં નહીં આવે, તો સભ્યોએ સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી છે.
હારીજ નગરપાલિકામાં ભાજપ શાસિત બોર્ડમાં જ જબરદસ્ત ભડકો થયો છે. વિવાદની શરૂઆત આગામી સમયમાં યોજાનાર ’’સ્વદેશી મેળા’’ના આયોજનથી થઈ હતી. નગરપાલિકા પ્રમુખ ધરતીબેન સચદેવે આક્ષેપ કર્યો હતો કે ભાજપના જ ૮ સભ્યોએ મેળાના ઠરાવમાં સહી કરી નથી. જોકે, આ મુદ્દે આજે ભાજપના સભ્યોએ એકત્ર થઈને પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચો માંડ્યો હતો. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ હારીજમાં રહેતા નથી અને શહેરના વિકાસના કામોમાં માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે.
નગરપાલિકાના સભ્યોના જણાવ્યા અનુસાર, હારીજમાં હાલ ભૂગર્ભ ગટર, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ રામભરોસે છે. સ્થાનિક રહીશો જ્યારે સભ્યોને રજૂઆત કરે છે, ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર ન હોવાથી કામો અટવાઈ જાય છે. સભ્યોનો દાવો છે કે સ્વદેશી મેળાના આયોજન અંગે તેમને કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી નથી, છતાં તેમના પર સહી ન કરવાનો ખોટો આક્ષેપ કરાયો છે. હારીજનું રાજકારણ હવે ગરમાયું છે કારણ કે આ વિવાદ માત્ર નગરપાલિકા પૂરતો સીમિત રહ્યો નથી. સભ્યોએ આ મામલે પક્ષના મોવડી મંડળ સુધી અનેકવાર રજૂઆતો કરી છે. ભાજપના સભ્યોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો તેઓ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેશે અને માત્ર પાર્ટીના કાર્યકર તરીકે સેવા આપશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ ઘરના ઝઘડાને શાંત પાડે છે કે પછી હારીજ નગરપાલિકામાં કોઈ મોટો રાજકીય ભૂકંપ આવશે.

