Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠક

દિલ્હીમાં રાહુલ ગાંધી-મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક

મુકુલ વાસનિક અને કે.સી. વેણુગોપાલ સહિત અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલે ભાગ લીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે ‘મિશન ગુજરાત’ને નવી દિશા આપવા દિલ્હીમાં મહત્વપૂર્ણ મનોમંથન બેઠક યોજી હતી. જે બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક અને કે.સી. વેણુગોપાલ સહિત અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણીએ પણ ભાગ લીધો હતો. ત્યારે કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યના અગ્રણી નેતાઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંગઠનની સ્થિતિ અને આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં સૌથી વધુ ભાર સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં મજબૂત અને સંકલિત પ્રદર્શન પર મૂકાયો હતો. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ અને સંગઠનાત્મક પડકારો અંગે ઊંડી ચર્ચા થઈ હતી. તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યકરોને ફરી સક્રિય બનાવવા, જૂથવાદ દૂર કરવા અને સંદેશાવ્યવહાર વધુ અસરકારક બનાવવા માટે ચોક્કસ માર્ગદર્શિકા તૈયાર કરવાની દિશામાં ચર્ચા આગળ વધી હતી.

નોંધનીય છે કે, તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક બાદ નવા સંગઠન માળખા અંગે પણ વિસ્તૃત વિચારવિમર્શ થયો હતો. જિલ્લા અને શહેર એકમોની પુનઃરચના, યુવા અને મહિલા મોરચાને સશક્ત બનાવવાની યોજનાઓ અને તળિયાના સ્તરે પાર્ટીની હાજરી મજબૂત કરવાની આવશ્યકતા પર નેતૃત્વે ભાર મૂક્યો હતો. ત્યારે હાલ ‘મિશન ગુજરાત’ને માત્ર નારાથી આગળ લઈ જઈ કાર્યરત આયોજનમાં ફેરવવા માટે જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દિલ્હીમાં યોજાયેલી આ બેઠક દરમિયાન આગામી મહિનાઓમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને મુદ્દાવાર આંદોલન અંગે પણ ચર્ચા થઈ હતી. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને જનઆંદોલન ઊભું કરવાની વ્યૂહરચના પર નેતાઓએ સહમતિ વ્યક્ત કરી હતી.

ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વે રાજ્યના નેતાઓને સંકલિત રીતે કામ કરવા અને આંતરિક મતભેદો દૂર રાખવા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એકજૂથ રહી લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આમ દિલ્હીમાં થયેલું આ મનોમંથન ગુજરાત કોંગ્રેસ માટે દિશાનિર્દેશક સાબિત થાય છે કે નહીં, તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ ‘મિશન ગુજરાત’ને નવી ગતિ આપવા માટે સંગઠન મજબૂત બનાવવાની તૈયારી હવે ઝડપ પકડે તેવી સંકેત મળી રહ્યા છે.

Related posts

મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બાંધકામના રૉ મટીરીયલ્સના અનિયમિત સપ્લાય તેમજ ભાવમાં થયેલ અતિશય વધારાના કારણે પડેલ ગંભીર અસરોને પહોંચી વળવા અનિચ્છાએ પ્રોપર્ટીના યુનીટકોસ્ટ વધારવા બાબત

Master Admin

કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક

Master Admin

નથિંગ બીફોર કોફી (Nothing Before Coffee) ભાવનગર, ગુજરાતમાં પોતાનું 1લું આઉટલેટ શરૂ કરે છે

Master Admin

Leave a Comment

Translate »