Nirmal Metro Gujarati News
EducationGujarat

જો વિદ્યાર્થીની પરીક્ષાની હોલટિકિટ અટકાવી તો શાળા સંચાલક સામે થશે કાર્યવાહી

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મામલો

કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોવાના મામલે રિસિપ્ટ અટકાવી હોવાની ફરિયાદો સામે આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬: ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મામલે આપવામાં આવતી પરીક્ષાની રિસિપ્ટ કોઈ પણ શાળા સંચાલકે અટકાવવી નહીં તેવા આદેશ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યા છે. કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોવાના મામલે રિસિપ્ટ અટકાવી હોવાની ફરિયાદો સામે આવી છે.
જેની અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ગંભીરતાથી નોંધ લીધી છે. જો શાળા સંચાલક પરીક્ષાની રિસિપ્ટ અટકાવશે અને વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહેશે તો શાળા સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ જિલ્લા શિક્ષણાધિકારીએ આપી છે.

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને હાલમાં શાળાઓ દ્વારા વિદ્યાર્થીને પરીક્ષાની રિસિપ્ટ આપવાની કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોવાના મામલે રિસિપ્ટ અટકાવી હોવાની ફરિયાદો સામે આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ આપવામાં નહીં આવતી હોવાની ફરિયાદના આધારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કોઈ પણ શાળા સંચાલક વિદ્યાર્થીની પરીક્ષાની રિસિપ્ટ અટકાવી શકશે નહીં તેવી તાકીદ કરી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત બોર્ડની આગામી ૨૬ તારીખથી પરીક્ષા શરૂ થઈ રહી છે મોટાભાગની શાળાઓમાં આ રિસિપ્ટ આપવાની કામગીરી ચાલી રહી છે. જો શાળા સંચાલક કોઈપણ કારણસર વિદ્યાર્થીને રિસિપ્ટ આપવાનો ઇનકાર કરે છે તો વિદ્યાર્થી કે તેના વાલી અમારી હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

અમે તેમાં કેન્દ્ર સંચાલકોને આ બાબતે વિનંતી પણ કરી છે અને સૂચના પણ આપી છે. કોઈપણ વિદ્યાર્થીની હોલ ટિકિટ ફી બાકી હોય તો ન આપવામાં આવે તેનું કરી શકાય નહીં. આ વર્ષે ૨ સ્કૂલોમાંથી અમને ફરિયાદ મળી હતી. જેમાં સાબરમતી રામનગરની અમૃત સ્કૂલ અને મક્તમપુરાની મોડલ સ્કૂલ આ બે સ્કૂલની અમને ફરિયાદ મળી હતી. જે બાબતે શાળાના સંચાલકોને સૂચના આપી વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપવામાં આવી છે પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે જેને ધ્યાને લઈને તમામ શાળાના સંચાલકોને આદેશ કર્યો છે કે કોઈ પણ વિદ્યાર્થીની હોલટિકિટ અટકાવવી નહીં.

સંચાલક વિદ્યાર્થીની ફી બાબતે પૂછપરછ કરી શકે તેમજ તેઓની પાસે પાછળથી ફી ભરી દઈશું તેવું લેખિત લઈ શકે. પરંતુ હોલ ટિકિટ અટકાવી શકે નહીં. સંચાલકે હોલ ટિકિટ આપવી પડે છે હોલ ટિકિટ અટકાવવી એ એક પ્રકારની શારીરિક માનસિક શિક્ષા બરાબર થયું કહેવાય. માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન થયું કહેવાય. જેથી જો કોઈ શાળા સંચાલક વિદ્યાર્થીની હોલટિકિટ અટકાવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

Master Admin

અમદાવાદ ડિઝાઇન વીક 7.0નો શુભારંભ: ગ્લોબલ લીડર્સએ એથિકલ AI અને માનવ-કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું

Master Admin

અમેરિકા-ભારતની ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ

Master Admin

Leave a Comment

Translate »