ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ખાનગી લક્ઝરી બસો અને માલવાહક વાહનોના ચાલકોએ પણ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે ડાકોર તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. પ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાને ધ્યાને રાખી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષાના હેતુસર ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ડાકોર જતા માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદથી ડાકોરઃ હાથીજણ, મહેમદાવાદ, મહુધા થઈને આવતા ભારે વાહનો પર પ્રતિબંધ
નડિયાદથી ડાકોરઃ નડિયાદ ચોકડીથી મહુધા તરફ જતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા
આણંદ-ગોધરા હાઈવેઃ સેવાલિયા અને પાલી બાજુથી આવતા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા તાકીદ
કપડવંજ-કઠલાલઃ આ વિસ્તારોમાંથી ડાકોર તરફ આવતા ભારે વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવશે.
-મેળા દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ખાનગી લક્ઝરી બસો અને માલવાહક વાહનોના ચાલકોએ પણ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
આ ઉપરાંત ડાકોર મંદિર કમિટીએ એ પણ નિર્ણય લીધો છે કે ડાકોર તરફ આવતા તમામ પદયાત્રી માર્ગો પર કોઈ વ્યક્તિ કે સંસ્થા ડ્ઢત્ન કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં. કારણે કે ઘોંઘાટના કારણે વૃદ્ધો અને અશક્ત પદયાત્રીઓ તકલીફ પડે છે તેમજ મુખ્ય હેતુ રોડ પર થતી ભીડને નિયંત્રણમાં લાવવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે.
એસટી વિભાગ બાદ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સરળતાથી સફર કરી શકાય તે માટે ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ૬૫૦ વધારાની બસો ફાળવવામાં આવી છે, ઠાકોરજીના લાઈવ દર્શન માટે મોટી મોટી સ્ક્રીન પણ ગોઠવવાનું આયોજન છે.
૨૮ ફેબ્રુઆરી અને ૦૧ માર્ચ એમ બે દિવસ ડાકોર ફાગણોત્સવ ૨૦૨૬નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારી ( તા.૨૮ ફેબ્રુઆરી ) તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી (તા.૦૧ માર્ચ)ના રોજ ડાયરાની રમઝટ બોલાવશે.

