Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો થયો

ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયા હતા

આ દરમિયાન અચાનક ૪ થી ૫ અજાણી મહિલાઓ અને બે પુરુષોના ટોળાએ તેમની કારને આંતરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે (૨૪મી ફેબ્રુઆરી) ભારે તંગદિલી સર્જાઈ છે. આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા મહિલા નેતાની કારને ઘેરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે હાથાપાઈ કરી ઈજાઓ પહોંચાડતા મામલો ગરમાયો છે.
મળતી માહિતી અનુસાર, ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે જીગીશા પટેલ સ્થાનિક મહિલાઓની રજૂઆત અને પ્રશ્નો સાંભળવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક ૪ થી ૫ અજાણી મહિલાઓ અને બે પુરુષોના ટોળાએ તેમની કારને આંતરી હતી. ઉગ્ર બોલાચાલી વચ્ચે એક મહિલાએ મોટો પથ્થર મારીને કારનો કાચ ફોડીને જીગીશા પટેલ પર હુમલો કર્યો હતો.
જેના કારણે જીગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજા થતા તેને પ્રથમ ગોંડલ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થિતિ વધુ વણસે તે પહેલા જીગીશા પટેલના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને કારને ભીડમાંથી ભગાડી મૂકી હતી, જેને કારણે વધુ જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટ ’આપ’ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

લોકસભામાં રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત

Master Admin

Leave a Comment

Translate »