એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એ લાલ આંખ કરી
આ ઓપરેશનમાં પોલીસે ૩૦૦૦ જેટલી પ્રતિબંધિત ટેબ્લેટ્સ સાથે ૪ શખ્સોની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એ લાલ આંખ કરી છે. શહેરના ગાયકવાડ હવેલી અને રાયખડ વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડીને પોલીસે નશાકારક ગોળીઓનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ ઓપરેશનમાં પોલીસે ૩૦૦૦ જેટલી પ્રતિબંધિત ટેબ્લેટ્સ સાથે ૪ શખ્સોની ધરપકડ કરી છે.
ANTF ને બાતમી મળી હતી કે રાયખડ વિસ્તારમાં એક રિક્ષા મારફતે નશાકારક ગોળીઓનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ રિક્ષાને આંતરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી અલ્પ્રાઝોલમ નામની ૩૦૦૦ નશાકારક ગોળીઓ મળી આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગોળીઓ, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૨.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા ૪ શખ્સો આ ગોળીઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાની હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
ઝડપાયેલા તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ પકડાયેલા શખ્સો પાછળ કોઈ મોટું રેકેટ હોઈ શકે છે, જે અમદાવાદના ગીચ વિસ્તારોમાં નશાનું નેટવર્ક ચલાવી રહ્યું છે.


1 comment
Join our affiliate community and maximize your profits—sign up now!