રાજ્યના બજેટમાં સીએમ ફડણવીસની મોટી જાહેરાત
પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કર્જમાફી યોજનામાં હેઠળ લોન નિયમિત પણે ભરનારા ખેડૂતોને રૂપિયા ૫૦,૦૦૦ સુધીના પ્રોત્સાહનો પણ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭ માર્ચ ૨૦૨૬ — મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યના ૨૦૨૬-૨૭ના રજૂ કરેલા બજેટમાં રૂ.૨ લાખ સુધીની કૃષિ લોન માફીની મોટી જાહેરાત કરી હતી. બજેટમાં તેમણે નદી જોડાણ પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, આરોગ્ય, સ્ટાર્ટ-અપ્સ અને સામાજિક કલ્યાણ માટે પણ સંખ્યાબંધ યોજનાઓની જાહેરાત કરી હતી. ફાઇનાન્સ પોર્ટફોલિયો ધરાવતા ફડણવીસે વિધાનસભામાં આશરે રૂ.૭.૬૯ લાખ કરોડનું બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે ૨૦૨૪માં વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી લાડકી બહેન યોજનાને પૂરતી ફાળવણી સાથે ચાલુ રખાશે. આ યોજના હેઠળ દર મહિને સૌથી ગરીબ મહિલાઓને રૂ.૧,૫૦૦ મળતા રહેશે. રાજ્યનું બજેટ રજૂ કરનારા પ્રથમ મુખ્યમંત્રી બનનારા ફડણવીસે જણાવ્યું હતું કે ૨૦૪૭ સુધી મહારાષ્ટ્ર ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમના બજેટની મુખ્ય જાહેરાત કૃષિ લોન માફી હતી. તેનાથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની બાકી રૂ.૨ લાખ સુધીની કૃષિ લોન માફ કરાશે. પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કર્જમાફી યોજનામાં હેઠળ લોન નિયમિત પણે ભરનારા ખેડૂતોને રૂ.૫૦,૦૦૦ સુધીના પ્રોત્સાહનો પણ મળશે. ફડણવીસે જાન્યુઆરીમાં હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી અજિત પવારને યાદ કરી જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ એનસીપી નેતાનું એક સ્મારક બનાવવામાં આવશે અને તેમના નામે એક એવોર્ડ પણ શરૂ કરાશે. અજિત પવારના મૃત્યુ પછી ફડણવીસ નાણાં મંત્રાલય સંભાળી રહ્યા છે. ખેડૂતોને રાહત આપવા ઉપરાંત, બજેટમાં સિંચાઈ પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને સામાજિક કલ્યાણ યોજનાઓને મજબૂત બનાવવા સંબંધિત દરખાસ્તો કરાઈ હતી. ફડણવીસે નાગપુર જિલ્લાના નવરગાંવ ખાતે ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિર્માણાધીન હાઇ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ વિરાર, બોઇસર અને થાણે બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ વિકાસની યોજનાઓની પણ જાહેરાત કરી હતી.

