તંત્રીની કલમે….
વિશ્વના રાજકીય પટલ પર જ્યારે શક્તિશાળી દેશો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય ત્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્ર માટે તેના હિતોનું રક્ષણ કરવું એ કોઈ કપરા ચઢાણથી ઓછું નથી. તાજેતરમાં અમેરિકાએ રશિયા પાસેથી ૩૦ દિવસ માટે તેલ ખરીદવાની જે છૂટછાટ આપી છે, તેને લઈને વિપક્ષી ગલીઓમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ભારત કોઈનો ગુલામ નથી અને તેને પોતાની મરજી મુજબ ખરીદી કરવાનો અધિકાર છે. પરંતુ, વાસ્તવિકતા અને મુત્સદ્દીગીરીના પાનાઓ કંઈક અલગ જ ગાથા કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે મજબૂત સ્થિતિમાં છે અને આ છૂટછાટ એ આપણી લાચારી નહીં પણ આપણી કુશળ વિદેશ નીતિ અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધોની ફળશ્રુતિ છે. સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે અમેરિકા પાસે આ પરવાનગી આપવાની સત્તા ક્યાંથી આવી? આ કોઈ માલિકી હક્ક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બેન્કિંગ પ્રણાલી અને ડોલરના વર્ચસ્વનો મામલો છે. રશિયા પર પશ્ચિમી દેશોએ જે પ્રતિબંધો લાદ્યા છે, તેમાં સ્વિફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. જ્યારે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, ત્યારે તેના નાણાંની ચુકવણી કરવામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કાયદાઓ આડે આવે છે. અમેરિકાએ આપેલી ૩૦ દિવસની છૂટછાટ એ ખરેખર તો ભારત માટે એક ’પેમેન્ટ વિન્ડો’ છે, જેથી ભારત આ સમયગાળા દરમિયાન કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદાકીય અડચણ વગર વ્યવહાર પૂર્ણ કરી શકે. આને ગુલામી કહેવી એ વિપક્ષની અપરિપક્વતા છે. ભારત એક સ્વાયત્ત રાષ્ટ્ર છે અને વડાપ્રધાન મોદીએ વારંવાર સાબિત કર્યું છે કે ભારત કોઈના દબાણમાં આવતું નથી.
વિપક્ષનો આક્ષેપ છે કે ભારત પોતાની મરજી મુજબ કેમ ખરીદી ન કરી શકે? ભારત ચોક્કસપણે પોતાની મરજી મુજબ ખરીદી કરી રહ્યું છે, અને એટલે જ પશ્ચિમી દેશોના ભારે દબાણ છતાં રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખવામાં આવી છે. જો ભારત કોઈનું ગુલામ હોત, તો અમેરિકાના પહેલા જ આદેશ પર રશિયા સાથેનો વ્યાપાર બંધ કરી દેવામાં આવ્યો હોત. પરંતુ મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત માટે તેના ૧૪૦ કરોડ નાગરિકોના હિત અને દેશની ઊર્જા સુરક્ષા સર્વોપરી છે. જ્યારે યુરોપના દેશો પોતે રશિયા પાસેથી ગેસ અને તેલ ખરીદી રહ્યા હોય, ત્યારે ભારતને રોકવાનો કોઈને અધિકાર નથી – અને આ જ તર્ક સાથે ભારતે વિશ્વ મંચ પર પોતાની વાત મક્કમતાથી મૂકી છે.
આ છૂટછાટ પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા પણ સમજે છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જો ભારતીય બજારમાં તેલની અછત સર્જાય અથવા ભાવો આસમાને પહોંચે, તો તેની અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. બીએસઈ અને ભારતીય બજારોની સ્થિરતા વિશ્વ માટે જરૂરી છે. વડાપ્રધાન મોદીની વિદેશ નીતિએ અમેરિકાને એ સ્વીકારવા મજબૂર કર્યું છે કે ભારત એક સમાન ભાગીદાર છે, આશ્રિત નહીં. વિપક્ષે એ સમજવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંબંધો માત્ર જીદથી નહીં પણ વ્યવહારુ અભિગમથી ચાલે છે.ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આજે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાયા છે. રશિયા પાસેથી તેલની ખરીદી એ ભારતની આર્થિક જરૂરિયાત છે, જ્યારે અમેરિકા સાથેના સંબંધો એ આપણી સુરક્ષા અને ટેકનોલોજીની જરૂરિયાત છે. વડાપ્રધાન મોદીએ બંને પક્ષે અત્યંત સંતુલિત રીતે કામ કર્યું છે. અમેરિકાની આ ૩૦ દિવસની છૂટછાટ એ ભારતની મુત્સદ્દીગીરીની જીત છે, કારણ કે આપણે અમેરિકા જેવા સાથી દેશને પણ આપણા હિતો સાથે સહમત કરી શક્યા છીએ.અંતે, જે લોકો આને ગુલામી કે લાચારી કહે છે, તેમણે એ યાદ રાખવું જોઈએ કે આજના સમયમાં ભારત રૂ ના મૂલ્યમાં અને પોતાની શરતો પર વ્યાપાર કરવાની ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત કોઈની સામે ઝૂકતું નથી, પણ આંતરરાષ્ટ્રીય જટિલ પરિસ્થિતિઓનો માર્ગ કાઢીને દેશના હિતોને સુરક્ષિત કરે છે. વિપક્ષે આને રાજકીય ચશ્માથી જોવાને બદલે રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ જોવું જોઈએ. ભારત મક્કમ છે, સ્વતંત્ર છે અને ’વિશ્વગુરુ’ બનવાના પથ પર અગ્રેસર છે.
નરેન્દ્ર જોષી

