Nirmal Metro Gujarati News
editorial

દાવોસમાં ગુજરાતનું વિઝનઃ ૨૦૪૭ ના વિકસિત ભારતનો માર્ગ

તંત્રીની કલમે….

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ માત્ર વિશ્વના આર્થિક માંધાતાઓનું મિલનસ્થળ નથી, પરંતુ તે ભવિષ્યની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નકશો તૈયાર કરતું એક સબળ માધ્યમ પણ છે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન સ્વિટ્‌ઝરલેન્ડના બરફીલા પહાડો વચ્ચે આવેલા દાવોસમાં જ્યારે વિશ્વના નેતાઓ એકઠા થયા છે, ત્યારે ભારત તરફથી ‘ટીમ ગુજરાત’નું નેતૃત્વ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી એક વિશેષ સંકેત આપે છે. આ પ્રવાસ માત્ર બેઠકો કે કરારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ‘વિકસિત ગુજરાત જ્ર ૨૦૪૭’ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર સાકાર કરવાની એક મોટી છલાંગ છે.

આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ૫૮ થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો કરવાના છે, જેમાં એપી મોલર માર્સ્ક, સુમિતોમો ગ્રુપ, જ્હોનસન કંટ્રોલ અને એન્જી જેવી વૈશ્વિક જાયન્ટ કંપનીઓ સાથેની મુલાકાતો મુખ્ય છે. આ બેઠકોનો હેતુ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરી રાજ્યમાં હજારો કરોડનું નવું રોકાણ લાવવાનો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આજે ભારતનું નિર્વિવાદ હબ બની રહ્યું છે. દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭ અમલી બનાવી ગુજરાતે આ ક્ષેત્રે હરણફાળ ભરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પીએસએમસી દ્વારા ધોલેરામાં રૂ. ૯૧,૦૦૦ કરોડના ખર્ચે બની રહેલો ભારતનો પ્રથમ કોમર્શિયલ એઆઈ-એનેબલ્ડ ફેબ પ્લાન્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત સાણંદમાં માઈક્રોન ટેકનોલોજી દ્વારા રૂ. ૨૨,૫૦૦ કરોડ, સીજી પાવર દ્વારા રૂ. ૭,૫૦૦ કરોડ અને કેયન્સ સેમિકોન દ્વારા રૂ. ૩,૩૦૦ કરોડનું રોકાણ થઈ રહ્યું છે. આ ચાર મોટા પ્રોજેક્ટ્‌સ દ્વારા કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડથી વધુનું રોકાણ અને ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીની તકો સર્જાશે તેવો અંદાજ છે. ૨૦૨૬ સુધીમાં ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ ૬૩ અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે, જેમાં ગુજરાત મોખરે રહેશે.

બીજી તરફ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે પણ ગુજરાતનો દેખાવ અભૂતપૂર્વ છે. ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં ગુજરાતે ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તાજેતરમાં જાહેર થયેલી ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી ૨૦૨૫ હેઠળ રાજ્યમાં અંદાજે રૂ. ૫ લાખ કરોડના રોકાણની અપેક્ષા છે. આ લક્ષ્યાંકને ૨૦૩૫ સુધીમાં ૧૫૦ ગીગાવોટ અને ૨૦૪૭ સુધીમાં ૩૦૦ ગીગાવોટ સુધી લઈ જવાનું વિઝન છે. પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્‌સમાં પણ રૂ. ૭૫,૦૦૦ કરોડના રોકાણની તકો દાવોસના મંચ પર રજૂ કરવામાં આવશે.

સંરક્ષણ ઉત્પાદન અને એરોસ્પેસ ક્ષેત્ર પણ આ પ્રવાસના કેન્દ્રમાં છે. ગુજરાતના ૧,૬૦૦ કિમી લાંબા દરિયાકિનારા અને હજીરા તથા અલંગ જેવા શિપબિલ્ડિંગ ક્લસ્ટર્સને કારણે દરિયાઈ સંરક્ષણ ટેકનોલોજીમાં રોકાણની વિપુલ સંભાવનાઓ છે. ’સ્વરક્ષા મહોત્સવ ૨૦૨૬’ અને ’ગુજરાત સ્પેસટેક પોલિસી ૨૦૨૫-૩૦’ જેવા અભિગમો દ્વારા રાજ્ય સરકાર માનવરહિત પ્રણાલીઓ (ડ્રોન) અને એરોસ્પેસમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહી છે. તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી પ્રાદેશિક વાઈબ્રન્ટ સમિટમાં પણ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે કરોડોના કરારો થયા છે. ગિફ્ટ સિટીનું પ્રતિનિધિમંડળ પણ આ પ્રવાસમાં સામેલ છે, જે સૂચવે છે કે ગુજરાત માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફિનટેક ક્ષેત્રે પણ વિશ્વના ટોચના કેન્દ્રો સાથે સ્પર્ધા કરી રહ્યું છે. એરક્રાફ્ટ લીઝિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જેવા વિષયો પર થનારી ચર્ચાઓ ગુજરાતને વૈશ્વિક નાણાકીય નકશા પર વધુ તેજસ્વી બનાવશે.

વિકસિત ભારત ૨૦૪૭ નું સપનું ત્યારે જ પૂરું થઈ શકે જ્યારે ગુજરાત જેવા રાજ્યો એન્જિન બનીને દેશના અર્થતંત્રને ગતિ આપે. દાવોસમાં હર્ષ સંઘવીની આ ’મેરેથોન’ બેઠકો સ્પષ્ટ કરે છે કે ગુજરાત હવે માત્ર રોકાણ સ્વીકારનાર રાજ્ય નથી, પણ વૈશ્વિક નીતિ નિર્ધારણમાં સક્રિય ભાગ લેનાર પ્લેયર છે. ‘ગુજરાત-રેડી ફોર ધ વર્લ્ડ, વેર વિઝન મીટ્‌સ એક્શન’ના મંત્ર સાથે ટીમ ગુજરાતનો આ પ્રવાસ આવનારા દાયકાઓની પ્રગતિનો પાયો નાખશે.

નરેન્દ્ર જોષી.

Related posts

કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક તેજીનો જુવાળઃ સોનું અને ચાંદી નવા શિખરો સર કરવા તરફ

Master Admin

પ્રજાસત્તાક પર્વઃ લોકશાહીના અમૃતકાળમાં બંધારણીય મૂલ્યો અને રાજકીય વાસ્તવિકતાનું મહામંથન

Master Admin

બજેટ સત્ર ૨૦૨૬ઃ આર્થિક સદ્ધરતા અને ‘નારી શક્તિ’ ના પાયા પર નૂતન ભારતનું નિર્માણ

Master Admin
Translate »