અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની મહિલાઓ જે ક્યારેય સ્ટેજ પર આવ્યા નથી તેવી મહિલાઓ પોતાના સોળ સંસ્કાર દ્વારા આ કાર્યક્રમને જીવંત કરશે. તમને જણાવીએ કે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર શહેરના સહયોગથી આ “ત્રિવેણી સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ સંસ્કૃતિ ઉત્સવ સંસ્કાર, અભિવ્યક્તિ અને સમાજ એકતાનો અદભૂત સંગમ બનશે. “ત્રિવેણી સંગમ” કાર્યક્રમ એ માત્ર બ્રહ્મસમાજ પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સનાતન હિંદુ ધર્મના મૂલ્યો અને પરંપરાઓને ઉજાગર કરતો મહોત્સવ છે. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, મહાનુભવો અને સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીયશ્રી ભુપેન્દ્રભાઈ આર. પટેલ સાહેબ, શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠિત પ્રતિનિધિ માનનીય શ્રીમતી રિવાબા જાડેજા, ધર્માચાર્ય મહામંડલેશ્વર, પરમ પૂજ્ય શ્રી અખીલેશ્વરદાસજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, અને પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહેશે.
અમદાવાદ, ગાંધીનગર, દસ્ક્રોઇ (જેતલપુર), ધોળકા, મોરબી, વઢવાણ, સુરેન્દ્રનગર, ભરૂચ, નવસારી, અંકલેશ્વર, સુરત, પાલનપુર, ગોધરા, અંબાજી, નડિયાદ, કપડવંજ, ખેડા, કઠલાલ અને સિદ્ધપુર સહિત ચારેય ઝોનના શહેરોના સહયોગથી આ આયોજન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. “ત્રિવેણી સંગમ” કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં “સોળ વૈદિક સંસ્કારોનું જીવંત અને શાસ્ત્રીય પ્રદર્શન” (મહિલા શક્તિ દ્વારા સંસ્કાર અને અભિવ્યક્તિનો વિશેષ કાર્યક્રમ), “બ્રહ્મ મહા મહેરામણ”, અને “કોફી સે મિલન તક” (રિશ્તો કી બેઠક) અને 16 સંસ્કારની વિધિ ઉજાગર કરતી માહિતી સભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે અને સમાજને પ્રેરણા મળી રહે તેવા વિશીષ્ટ કાર્યક્રમો અહીં થશે. આ ઉપરાંત માનનીય શ્રી મિહિરભાઈ પંડ્યા ઉદ્યોગપતિ ઓફ જાયરા ડાયમંડ દ્વારા તમામ મહિલાઓને હાઉસી રમાડવાના છે, જે તેમના તરફથી સ્પોન્સર કરવામાં આવી છે. શનિવારના રોજ શહેરના પંડિત દિન દયાલ હોલમાં યોજાવા જઈ રહેલા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મહિલા પ્રમુખ ડો. ધારિણીબેન અનિલકુમાર શુકલ, તેમજ ગુજરાત પ્રદેશની સમગ્ર મહિલા પાંખ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ રાવલ, મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા મહામંત્રી સ્મિતા બેન જોશી, ખજાનચી સોનલબેન જાની તેમજ અમદાવાદ શહેર અને ગાંધીનગરના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના માર્ગદર્શન અને સાથ સહકાર હેઠળ યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના તમામ ભાઈ-બહેનો અને સનાતન ધર્મપ્રેમી પરિવારોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ સાંસ્કૃતિક મહોત્સવને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ છે.

