અર્ધકુંભ પહેલા VHP નેતાની મોટી માંગ
સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિદ્વાર, તા.૦૭ જાન્યુઆરી ૨૦૨૬: વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા સાધ્વી પ્રાચીએ ૨૦૨૭માં યોજાનારા અર્ધકુંભ મેળા પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમો પર આવા પ્રતિબંધો લાગુ છે, તો હરિદ્વારમાં બિન-હિન્દુઓ પર તેવો જ પ્રતિબંધ કેમ ન મૂકવો જોઈએ? તેમણે તેને સુરક્ષા અને હરિદ્વારની પવિત્રતા જાળવવા સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો છે.
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, બિન-હિન્દુઓના હરિદ્વારમાં ગંગામાં ડૂબકી લગાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ. ૪૫ દિવસ સુધી ચાલનારો અર્ધકુંભ મેળો ૧૪ જાન્યુઆરી ૨૦૨૭ (મકર સંક્રાંતિ)થી શરૂ થઈને મહાશિવરાત્રી સુધી ચાલશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ૬ થી ૭ કરોડ શ્રદ્ધાળુઓ હરિદ્વાર આવે તેવી શક્યતા છે.
મંગળવારે પત્રકારો સાથે વાત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે, કુંભ મેળાનો વિસ્તાર અને ’હર કી પૌડી’ને ‘અમૃત ક્ષેત્ર’ જાહેર કરવામાં આવે અને ત્યાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ મુકવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે, પવિત્ર સ્થળો પર તથાકથિત “જેહાદી પ્રવૃત્તિઓ”ની ઘટનાઓ સામે આવી છે, જે મોટા ધાર્મિક આયોજનો માટે ખતરો બની શકે છે.
સાધ્વી પ્રાચીએ દાવો કર્યો કે, હાલમાં જ દિલ્હીથી કેટલીક મહિલાઓ હરિદ્વાર આવી અને ખોટા ઇરાદાથી ગંગામાં સ્નાન કર્યું. આવી પ્રવૃત્તિઓ અટકવી જોઈએ. તેમણે સરકાર પાસે કુંભ ક્ષેત્રમાં “જેહાદી તત્વો”ના પ્રવેશ પર રોક લગાવવા માટે કાયદો લાગુ કરવાની પણ માંગ કરી અને આ વિસ્તારમાં બિન-હિન્દુઓ દ્વારા મિલકત ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
તેમણે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, ’હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જોઈએ, જેથી ધાર્મિક અનુષ્ઠાન કોઈપણ અવરોધ વગર સંપન્ન થઈ શકે. તેમણે કહ્યું કે, “હરિદ્વાર અને નગરપાલિકા વિસ્તાર મુખ્યત્વે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો છે. તેથી તહેવારો અને સ્નાન કોઈપણ અપ્રિય ઘટના વિના સંપન્ન થવા જોઈએ.”
સાધ્વી પ્રાચીએ ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે હુમલામાં ૧૫ લોકોના મોત થયા હતા અને તેમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો. તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કરતા પ્રશ્નો ઉઠાવ્યા કે, જો આવો પદાર્થ ગંગામાં મિક્સ કરી દેવામાં આવે, જ્યાં કરોડો લોકો સ્નાન કરે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

