Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ

દબાણ હેઠળ સહી કરાવી વિશ્વાસઘાત કર્યો

અત્યાર સુધી તેને ૨૫ હજાર રોકડા અને ૨૫ લાખ (સારવાર/વળતર પેટે) મળ્યા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ ભવિષ્યની રોજગારી અને નુકસાન સામે આ રકમ અપૂરતી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદમાં ૧૨મી જૂન ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચેલા અને ગંભીર રીતે દાઝેલા પીડિત અજય પરમારે એરલાઈન્સ કંપની સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. તેણે દાવો છે કે કંપનીએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવી, વકીલ કે પરિવારની ગેરહાજરીમાં દબાણ પૂર્વક દસ્તાવેજો પર સહી કરાવી લીધી છે.
મળતી માહિતી અનુસાર, ૧૨મી જૂનના રોજ જ્યારે અજય પરમાર મોપેડ લઈને જમવા જઈ રહ્યા હતા, ત્યારે પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ અકસ્માતમાં તેનું મોપેડ સળગી ગયું હતું અને તે ૨૩ ટકા જેટલા દાઝી ગયો હતો. અકસ્માત બાદ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત બે મહિના સુધી સારવાર લીધી હતી. પીડિત અજય પરમારના જણાવ્યાનુસાર, લગ્નના માત્ર એક જ મહિના બાદ આ દુર્ઘટના ઘટી હતી. શારીરિક અક્ષમતાને કારણે પત્ની પણ જતી રહી છે અને હાલ તેમની પાસે કોઈ રોજગારી નથી.

અજય પરમારે દાવો કર્યો કે, મોપેડના ખર્ચના બિલ પર સહી કરાવવાના બહાને તેની પાસે ’ફુલ એન્ડ ફાઈનલ’ સેટલમેન્ટના દસ્તાવેજો પર સહી કરાવી લેવામાં આવી. વકીલ કે પરિવારને જાણ કર્યા વગર જ દસ્તાવેજો પડાવી લેવાયા. તેમણે કહ્યું કે, ’મને દસ્તાવેજ સમજાયો નહોતો.’ ૫ લાખ રૂપિયા આપીને કાયમી કાનૂની હક્કો છીનવી લેવાનો પ્રયાસ થયો હોવાનો દાવો. અત્યાર સુધી તેને ૨૫ હજાર રોકડા અને ૨૫ લાખ (સારવાર/વળતર પેટે) મળ્યા હોવાનો ઉલ્લેખ છે, પરંતુ ભવિષ્યની રોજગારી અને નુકસાન સામે આ રકમ અપૂરતી છે.

પીડિત અજય પરમારે કહ્યું કે, ’હું ૫ લાખ રૂપિયા પરત આપવા તૈયાર છું, પણ મારે ન્યાય જોઈએ. એર ઈન્ડિયાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારે કામ જોઈએ છે, મને અત્યારે કોઈ રોજગારી આપતું નથી.’

Related posts

ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન આરોપીનો અધિકાર

Master Admin

સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી

Master Admin

રાયખડમાં પોલીસે નશાકારક ગોળીઓનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું

Master Admin

Leave a Comment

Translate »