Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsPolitics

અમદાવાદના અપક્ષ ઉમેદવારનો મતદારોએ ભાંડો ફોડી નાખ્યોે!

“પૈસા આપ્યા તો પણ ૧૭ મત આપ્યાં”

વાયરલ થયેલા આ વીડિયોમાં કાળુ ભરવાડે પોતે સ્વીકાર્યું છે કે, તેમણે ગત ચૂંટણી દરમિયાન પૈસાની વહેંચણી કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — શહેરના લાંભા વિસ્તારમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. લાંભાના એક અપક્ષ ઉમેદવારનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં ઉમેદવાર કાળુ ભરવાડ ચૂંટણી જીતવા માટે મતદારોને નાણાંની લાલચ આપી હોવાની કબૂલાત કરતા નજરે પડે છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં કાળુ ભરવાડે પોતે સ્વીકાર્યું છે કે, તેમણે ગત ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરી હતી. આટલું જ નહીં, તેમણે ગામમાં મંદિર બનાવવાના બહાને પણ નાણાં આપ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. જોકે, આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી અને હાસ્યાસ્પદ બાબત એ સામે આવી છે કે, મોટી રકમની વહેંચણી અને લાલચ આપવા છતાં, ગત ચૂંટણીમાં કાળુ ભરવાડને માત્ર ૧૭ મતો જ મળ્યા હતા. આ આંકડો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો લોકશાહીમાં નાણાંના જોરે મત ખરીદવાના પ્રયાસોની ટીકા કરી રહ્યા છે.

સ્થાનિક મતદારોમાં આ ઘટનાને લઈને અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મતદારો કાળુ ભરવાડનો ઘેરાવો કરી રહ્યા છે અને તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યા છે કે, અમને તમારા પૈસાની જરૂર નથી, આ પૈસા તમે પરત લઈ લો. મતદારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કાળુ ભરવાડ સામાન્ય જનતા સાથે અસભ્ય વર્તન કરે છે અને ગાળો આપે છે.લોકોએ દાવો કર્યો છે કે, તેમની પાસે કાળુ ભરવાડના ગાળો બોલતા હોવાના ઓડિયો રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે ઉપલબ્ધ છે. ઘટનાસ્થળે જ્યારે વિવાદ વધ્યો અને લોકોએ વિરોધ કર્યો, ત્યારે કાળુ ભરવાડ સ્થિતિને થાળે પાડવાને બદલે ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

મતદારોએ તેમને આપેલા પૈસા પરત લેવા માટે આગ્રહ કર્યો હોવા છતાં, તેઓ લોકોની વાત સાંભળ્યા વગર અને પૈસા લીધા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા.હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં થતા ભ્રષ્ટાચાર અને મતદારોને પ્રલોભન આપવાની અનૈતિક રીતભાત પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો હવે આ મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. શુક્રવારે આ વીડિયો સામે આવ્યા બાદ લાભા વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

Related posts

ડીકે શિવકુમાર બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

Master Admin

બોપલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ના સંકલ્પ સાથે બોપલવાસીઓ યોગમય બન્યા

Master Admin

ઇન્સ્ટાગ્રામ પરથી સંપર્ક કેળવીને શખ્સે સગીરાને હોટલમાં લઇ જઇ બળાત્કાર કર્યો : પોલીસે ગુનો નોંધ્યો

Master Admin

Leave a Comment

Translate »