Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ઇ-સીમ બંધ કરાવી એક કરોડ ટ્રાન્સફર કરી લીધા

સાયબર ઠગે સરકારી કોન્ટ્રાક્ટરનું

કોન્ટ્રાક્ટરે નવું સીમકાર્ડ લઇને એકાઉન્ટન્ટ સાથે બેસીને બેંક ડિટેઇલ તપાસતા મામલો સામે આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — સાયન્સ સિટી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસ ધરાવીને સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આધેડ સાથે વિચિત્ર પ્રકારનું સાયબર ળોડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઇ ગઠિયાઓએ આધેડનું ઇ-સીમ બ્લોક કરાવીને બંધ કરાવી દીધું હતું. જે બાદ નેટ બેંકિંગનો ઉપયોગ કરીને રૂપિયા ૧.૦૭ કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડે નવું સીમ કાર્ડ લઇને ઓનલાઈન બેંકની ડિટેઈલ તપાસી ત્યારે કુલ ૧૫ જેટલા ટ્રાન્ઝેક્શનથી એક કરોડ રૂપિયા જતા રહ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. જેથી આધેડે આ મામલે સાયબર ક્રાઇમને જાણ કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસીસ હાથ ધરીને તપાસ શરૂ કરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા ૫૩ વર્ષીય જીતેન્દ્રકુમાર પટેલ ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપની ધરાવીને સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તા. ૨૧ માર્ચે મોડી રાત્રે તેમનું ઇ-સીમકાર્ડ બંધ થઇ ગયું હતું, તે સમયે નેટવર્કની સમસ્યા હોવાનું માનીને વાત ટાળી હતી. બીજા દિવસે તેમણે કંપનીમાં ફોન કરીને પૂછતા તે ઇ-સીમકાર્ડ બ્લોક કરાયું હોવાની જાણકારી મળી હતી. જેથી જીતેન્દ્રકુમાર વોડાફોન સ્ટોર પર તપાસ કરવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, અજાણ્યા વ્યક્તિએ કંપનીમાં રિક્વેસ્ટ નાખીને તેમનું ઇ-સીમકાર્ડ બ્લોક કરાવી દીધું છે. જેથી તેમણે નવું ફિઝિકલ સીમકાર્ડ મેળવી પોતાનો ફોન ચાલુ કર્યો હતો. જે બાદ તા.૨૩ માર્ચે તેમના એકાઉન્ટન્ટ સાથે બેસીને બેંકની ઓનલાઈન ડિટેઈલ ચેક કરી રહ્યા હતા. ત્યારે તેમના ખાતામાંથી અલગ અલગ બેંક ખાતામાંથી અલગ અલગ ૧૫ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા ૧.૦૭ કરોડ કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આમ, કોઈ ઠગે તેમની જાણ બહાર નંબર બ્લોક કરાવી, નેટ બેન્કિગનો એક્સેસ મેળવી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. જીતેન્દ્રકુમારે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલીસીસના આધારે તપાસ હાથ ધરી છે. ઠગબાજો ફિશિંગ ઈમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પર્સનલ ડિટેઈલ મેળવે છે. બાદમાં ટેલિકોમ કંપનીમાં ફોન કરીને વિવિધ બહાના બતાવીને સીમ બ્લોક કરાવી દે છે. ખાનગી માહિતીઓ મેળવીને તે જ નંબરનું નવું ફિઝિકલ સીમકાર્ડ મેળવીને બાદમાં સીમ એક્ટિવેટ થયા બાદ નેટ બેન્કિંગમાં ફરગોટ પાસવર્ડ આપીને ઓટીપી મેળવીને ગણતરીના સમયમાં ખાતુ સાફ કરી નાખીને ઠગાઇ આચરતા હોવાની એમઓનો ઉપયોગ કરીને આ છેતરપિંડી આચરવામાં આવી હોવાની પોલીસને શંકા છે.

Related posts

તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો

Master Admin

ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન

Master Admin

સોનાની ચોરી મામલે એક્શનમાં ED ૩ રાજ્યોના ૨૧ સ્થળો પર દરોડા

Master Admin

Leave a Comment

Translate »