Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો

ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો

યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-૨ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદર પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૩ એપ્રિલ ૨૦૨૬ –– ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર આવેલા પોર્ટ પર હુમલો કર્યો છે. યુરોપિયન યુનિયન/કોપરનિકસ સેન્ટિનલ-૨ની સેટેલાઈટ તસવીરોમાં ગુરુવારે ઈરાનના કેશમ બંદર પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. આ હુમલો ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મોટો ફટકો છે. આ પોર્ટ ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અત્યંત મહત્ત્વનું છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં ટોલ વસૂલવા જેવી વ્યવસ્થાઓની તૈયારી અને તેનું સંચાલન અહીંથી થતું હતું.

કેશમ ફ્રી ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાનના કેશમ દ્વીપ પર સ્થિત બહમન કોમર્શિયલ બંદર અને દોહા ફિશિંગ ઘાટના કેટલાક ભાગોને નુકસાન થયું છે. આ નુકસાન ૧ એપ્રિલની સાંજથી ૨ એપ્રિલની બપોર સુધી પોર્ટની સુવિધાઓને નિશાન બનાવીને કરવામાં આવેલા અમેરિકન-ઈઝરાયલી હુમલાઓને કારણે થયું છે.

ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે અમેરિકા-ઈઝરાયલના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેશમ ફ્રી ઝોનના ડેપ્યુટી ચીફ મન્સૂર અઝીમઝાદેહ અર્દેબિલીએ જણાવ્યું છે કે બહમન સંપૂર્ણપણે એક કોમર્શિયલ બંદર છે. આ રીતે પોર્ટ પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય નિયમોનું સીધું ઉલ્લંઘન છે.

ઈઝરાયલ અને અમેરિકાના આ હુમલાથી ક્ષેત્રમાં યુદ્ધ વધુ ભીષણ બની શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ જ વિસ્તારમાં એક અમેરિકન ફાઈટર જેટને તોડી પાડવાનો પણ દાવો કર્યો છે. IRGC એ કહ્યું છે કે તેમણે પર્સિયન ગલ્ફમાં કેશમ દ્વીપની દક્ષિણે અમેરિકાના એક અદ્યતન ફાઈટર જેટને તોડી પાડ્યું છે.

કેશમનું બહમન સંપૂર્ણપણે કોમર્શિયલ બંદર છે. આ રીતે પોર્ટ પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય નિયમોનું સીધું ઉલ્લંઘન છે. ઈઝરાયલ અને અમેરિકા સતત ઇન્ટરનેશનલ લોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. આ બંને દેશો ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના બે નાના ટાપુઓ લારક અને કેશમ આવેલા છે. આ બંને ટાપુઓ વચ્ચે એક સાંકડો રસ્તો છે. આ માર્ગને આ ટાપુઓના નામ પરથી લારક-કેશમ ગેપ (અથવા લારક-કેશમ ચેનલ) કહેવામાં આવે છે. કેશમ પર ઈરાનનું બંદર પણ છે, જેના કારણે અહીં દેશના તેલ અને અન્ય ચીજવસ્તુઓનો વેપાર મોટા પાયે થાય છે.

ઈરાન માટે કેશમ પોર્ટ અને લારક-કેશમ ચેનલ લડાઈ શરૂ થયા પછી વેપાર અને વિશ્વના વ્યાપારી જહાજોની નજીકથી દેખરેખ રાખવા માટેનું મહત્ત્વનું સ્થળ છે. ઈરાન લારક-કેશમ ચેનલ દ્વારા એ જ જહાજોને પસાર થવા દે છે જેની સાથે તેના સંબંધો સારા છે અથવા જે દેશોના જહાજોને પસાર થવા દેવા માટે ઈરાન વાતચીત બાદ સંમત થાય છે.

ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ૨૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલા હુમલા બાદ ભારે તબાહી મચી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના ટાપુઓ ચર્ચામાં રહ્યા છે. તેનું કારણ એ છે કે આ જ સ્થાનો પરથી ઈરાન યુદ્ધમાં સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહ્યું છે.

Related posts

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે?

Master Admin

ફ્લોરિડા એક વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

Master Admin

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન

Master Admin

Leave a Comment

Translate »