હિમંતા બિસ્વા સરમાનો દાવો
આસામના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન લિંકને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુવાહાટી, તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૬: આસામના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન લિંકને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “હું જ્યારે આસામમાં રોકાણના પ્રસ્તાવ સાથે સિંગાપોરમાં હતો, ત્યારે જ તે તસવીર વાયરલ થઈ હતી. જેમાં ગૌરવ ગોગોઈ કેટલાક યુવાનોને પાકિસ્તાની દૂતાવાસમાં લઈ જતા જોવા મળ્યા હતા. અબ્દુલ બાસિત તે સમયે ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર હતા. એક રીતે, તેમણે પાકિસ્તાનને કાયદેસરતા આપવાનો પ્રયાસ કર્યો હતો.”
શર્માએ આગળ કહ્યું કે, “જો તમે આ તસવીરને કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં જુઓ, તો આસામના કેપ્ટન જિંટુ ગોગોઈએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. બીજા ઘણા લોકોએ પણ દેશ માટે બલિદાન આપ્યું હતું. પાકિસ્તાન સાથેના આપણા સંબંધો અને ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની જનતાએ વડાપ્રધાનને જે રીતે સાથ આપ્યો હતો, તે સૌ જાણે છે. આ બાબત દેશની લાગણીઓને દર્શાવે છે.”
સરમાએ આક્ષેપ કર્યો કે, “મને નથી લાગતું કે અન્ય કોઈ કોંગ્રેસ નેતાએ ક્યારેય આટલા મોટા પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાનની મુલાકાત લીધી હોય. લાંબા સમય સુધી મને લાગતું હતું કે આ તસવીર ફોટોશોપ કરેલી છે, પરંતુ બે-ત્રણ દિવસ પછી કોંગ્રેસના લોકો તેનું સમર્થન કરવા લાગ્યા, ત્યારે મને સમજાયું કે આ તસવીર અસલી છે. ત્યારબાદ અમે તપાસ શરૂ કરી કારણ કે આ મામલો નાનો ન હોઈ શકે.” ગૌરવ ગોગોઈએ હિમંત બિસ્વા સરમાની પ્રેસ કોન્ફરન્સને સુપર ફ્લોપ ગણાવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “મને દિલ્હી અને આસામના પત્રકારો પર દુઃખ થાય છે જેમને સદીની સૌથી ખરાબ પ્રેસ કોન્ફરન્સ સહન કરવી પડી. તે સી-ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ હતી. કહેવાતા હોશિયાર મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલી દલીલો સંપૂર્ણપણે વાહિયાત અને ખોટી હતી.”
લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગોગોઈએ વધુમાં લખ્યું, “આ સુપર ફ્લોપ અમારી સમય પરિવર્તન યાત્રાથી તદ્દન વિપરીત છે, જે મુખ્યમંત્રી અને તેમના પરિવારના સભ્યો દ્વારા કબજે કરાયેલી ૧૨,૦૦૦ વીઘા જમીનનો પર્દાફાશ કરવામાં સફળ રહી.” મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “આસામના એક સાંસદનો પાકિસ્તાન સાથે સંબંધ હોય તે સન્માનની વાત નથી પણ દુઃખની વાત છે.” તેમણે માહિતી આપી કે ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન કનેક્શનનો કેસ હવે ગૃહ મંત્રાલય (સ્ૐછ) ને સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ મામલામાં ત્રણ મુખ્ય વ્યક્તિઓ સામેલ છે. જેમાં ગૌરવ ગોગોઇ પોતે, તેમની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન અને પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખ.

