- મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું
- ૩૩ જિલ્લાઓમાંથી ૩૦,૦૬,૮૬૫ લાભાર્થીના રૂ. ૮,૬૧૦ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૩૨.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૯,૪૬૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.
આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫ માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે ૩૩ જિલ્લાઓમાંથી ૩૦,૦૬,૮૬૫ લાભાર્થીના રૂ. ૮,૬૧૦ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨૯,૯૩,૬૮૯ ખેડૂતોને કુલ રૂ. ૮,૫૭૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૫ માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓમાંથી ૨,૩૪,૩૮૬ લાભાર્થીના કુલ રૂ. ૭૯૨ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ ૨,૩૩,૭૭૭ ખેડૂતોને કુલ રૂ. ૭૯૧.૧૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
જમીન સુધારણા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ અંગે કુલ ૪૧,૭૭૭ ખેડૂતોની અરજી મળી હતી. જેમાંથી ૩૪,૬૧૫ લાભાર્થીઓના રૂ. ૧૧૩.૦૧ કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. મંજૂર કરેલા કુલ ૩૧,૯૫૮ ખેડૂતોને કુલ રૂ. ૧૦૪.૩૭ કરોડની સહાયની ચૂકવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્યના ૩૨ લાખથી વધુ ખેડૂતોને અત્યાર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદીમાં પણ રાજ્ય સરકારે નવી સિદ્ધિ હાંસલ કરી હતી. સરકારે માત્ર નુકસાનીનું વળતર જ નથી આપ્યું, પરંતુ ખેડૂતોના ઉત્પાદનને યોગ્ય ભાવે ખરીદવાની વ્યવસ્થા પણ કરી હતી. રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૫માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનને આવરી લે છે. જેમાં ખેડૂતોને હેક્ટર પ્રતિ ૨૨,૦૦૦ રૂપિયા (મહત્તમ ૨ હેક્ટર, એટલે કુલ ૪૪,૦૦૦ રૂપિયા પ્રતિ ખેડૂત) આપવામાં આવશે. આ દરમિયાન પિયત અને પિયત વગરનો નિયમ પણ હટાવી લેવામાં આવ્યો હતો.

