Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગુજરાતમાંથી બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ટોળકી ઝડપાઇ

૮થી વધુ નવજાત શિશુઓના ગેરકાયદે વેચાણનો ચોંકાવનારો ખુલાસો

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓપરેશનઃ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલંગાણા સુધી ગેન્ગ ફેલાયેલી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુર, તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ — બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા આંતરરાજ્ય સ્તરે કાર્યરત બાળ તસ્કરીની “મુરગન ગેન્ગ” તરીકે ઓળખાતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને તેલંગાણામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની સમગ્ર તપાસ દરમિયાન ૮થી વધુ નવજાત શિશુઓના ગેરકાયદે વેચાણનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વડગામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ધનપુરા-જલોત્રા હાઈવે નજીકથી એક ચાર વર્ષીય બાળકનું અજાણ્યા વ્યકિતઓ દ્વારા કારમાં અપહરણ કરાયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની સૂચના અન્વયે પોલીસે ગણતરીના કલાકોમાં શૈલેષ ગમાર અને પાબુ ભગોરા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અપહરણ થયેલા બાળકને હેમખેમ છોડાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ સમગ્ર નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલ છે. જેથી LCB ટીમે આ કેસમાં ટેકનોલોજી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ થાય છે. તેનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી તેમજ પોલીસની વિશેષ ટીમોને તેલંગાણા મોકલી ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યાંથી બાળ તસ્કરી ગેન્ગના મુખ્ય સૂત્રધાર સહિત તેના બે સાથીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં વધુ એક ચોંકાવનારી હકિકત સામે આવી હતી કે, મુખ્ય સૂત્રધાર અને તેની પત્ની હૈદરાબાદના વિવિધ IVF સેન્ટરો સાથે સંકળાયેલા હતા. તેઓ ગર્ભધારણમાં અસમર્થ મહિલાઓ માટે અન્ય મહિલાઓની વ્યવસ્થા કરતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. બાદમાં તેઓ નવજાત શિશુઓના ગેરકાયદે વેચાણના ધંધામાં પ્રવેશ્યા હતા, જ્યાંથી તેમને વધુ નફો મળતો હતો. બાળ તસ્કરી ગેન્ગ દ્વારા આ તમામ વ્યવહારો અલગ-અલગ એજન્ટો મારફતે કરવામાં આવતા હતા. જેમાં હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને વિજયવાડાના એજન્ટો સામેલ હતા.બનાસકાંઠા પોલીસે અત્યારે પકડેલા આરોપીઓમાં ૧. બોદાશું નાગારાજુ ઉર્ફે મુરુગન બોદાશું વેકંટી (સિરપુર કાગજનગર, તેલંગાણા), કાસરાપુ તિરુપથી કસરાપુ મલ્લાલહ (સિરિકોંડા, તેલંગાણા), કેલેટી ગંગાધર ગંગારાજન (મુદલતા, તેલંગાણા) સમાવેશ થાય છે. અગાઉ શૈલેષભાઈ લાડુભાઇ ગમાર (રહે. વાઘોર તા. દાંતા), પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ ભગોરા (રહે. ખાપરા તા. અમીરગઢ) અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોરને ઝડપી પાડ્યો હતો.

Related posts

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં ૭ કરોડનું સાયબર ફ્રોડ

Master Admin

ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી ૬ મહિના સુધી સ્થગિત કરાઈ

Master Admin

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

Master Admin

Leave a Comment

Translate »