Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

નર્મદા પરિક્રમાનો આગામી ૧૯ માર્ચથી પ્રારંભ થશે

રૂ. ૧૦ કરોડના ખર્ચે આધુનિક માળખું

લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા ૧૮ કિમીના પરિક્રમા માર્ગ પર સુરક્ષા અને સુવિધાનું વ્યાપક આયોજન કરાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આગામી ૧૯ માર્ચ ૨૦૨૬ (ચૈત્ર સુદ એકમ) થી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની યાત્રા ૧૭ એપ્રિલ ૨૦૨૬ (ચૈત્ર વદ અમાસ)ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા ૧૮ કિમીના પરિક્રમા માર્ગ પર સુરક્ષા અને સુવિધાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા.

મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન, સ્નાનગૃહ અને ચેન્જિંગ રૂમ. શ્રદ્ધાળુઓનો સામાન રાખવા માટે ક્લોક રૂમ, સતત પાણી પુરવઠો અને માર્ગ પર જરૂરી ચીજવસ્તુઓ માટે સેવા કેન્દ્રોની વ્યવસ્થા કરાઈ છે.

ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો આશરો લેવાયો છે. હેડ કાઉન્ટ સિસ્ટમથી ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) દ્વારા યાત્રાળુઓની સંખ્યા અને અવર-જવર પર સતત નજર રખાશે. સમગ્ર ૧૮ કિમીના માર્ગ અને તમામ ઘાટ પર LED અને ફ્લડ લાઇટ લગાડવામાં આવી છે, જેથી રાત્રિ દરમિયાન પણ યાત્રા સુગમ રહે. સીસીટીવી કેમેરા, વૉચ ટાવર અને વાયરલેસ કમ્યુનિકેશન દ્વારા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે માર્ગમાં મેડિકલ યુનિટ્‌સ અને ૨૪૭ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આ ઉપરાંત, કોઈપણ આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ખાસ ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. પરિક્રમા ક્ષેત્રને સ્વચ્છ રાખવા માટે હાઉસકીપિંગની ટીમો દિવસ-રાત અલગ-અલગ શિફ્ટમાં કાર્યરત રહેશે.

Related posts

કચ્છના રાપરમાં ’મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો

Master Admin

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગમી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

Master Admin

Leave a Comment

Translate »