Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

નેધરલેન્ડ્‌સની સેમિકન્ડક્ટર કંપની સાથે ભારતની મેગા ડીલ

ગુજરાતમાં બનશે સુપર ચિપ્સ

ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ મે ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના બીજા દિવસે નેધરલેન્ડ પહોંચ્યા છે. ૯ વર્ષ બાદ આ યુરોપીય દેશની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ એક એવો મોટો દાવ ખેલ્યો છે, જેનાથી ચીનની ચિંતામાં જોરદાર વધારો થવાનો નક્કી છે. ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. હવે ભારત અને નેધરલેન્ડ મળીને ભારતમાં ચિપ મેકિંગના સપનાને નવી પાંખો આપશે.

ભારત લાંબા સમયથી ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે. હવે આ સપનું નેધરલેન્ડની સૌથી મોટી ચિપ મેકિંગ કંપની ASML સાથે મળીને પૂરું થશે. આ કંપનીની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ASML દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીન વગર તાઇવાન કે અમેરિકા જેવા દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.

ડચ કંપની ASML અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે આ અંગે MoU સાઇન થયા છે. આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં ચિપ પ્રોડક્શન માટે રૂ. ૯૧,૦૦૦ કરોડનું રોકાણ કરી રહ્યું છે. ટાટા આ પ્લાન્ટ તાઇવાનની ’પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન’ (PSMC) સાથે મળીને લગાવી રહ્યું છે. હવે ડચ કંપની છજીસ્ન્ આ પ્લાન્ટમાં એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્‌સ પુરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફી સૌથી જટિલ અને ખર્ચાળ કામ ગણાય છે.

ASML કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm (૧૨ ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં ટેકનિકલ મદદ કરશે. અહીં બનનારી ચિપ્સ વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ, મોબાઈલ ડિવાઈસીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની જરૂરિયાતો પૂરી કરશે.

હાલમાં વૈશ્વિક ચિપ માર્કેટ પર ચીનનો દબદબો છે અને તે પોતાની આ મોનોપોલીનો ઉપયોગ અવારનવાર નિકાસ પર પ્રતિબંધ મૂકીને દાદાગીરી કરવા માટે કરે છે. પરંતુ ભારતની આ એન્ટ્રીથી ચીનના એકાધિકારને સીધો પડકાર મળશે. ભારત જેવા મજબૂત દેશના આ સેક્ટરમાં આવવાથી ચીનનું વર્ચસ્વ ઘટશે. અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે દુનિયાભરની ટેક કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ જોઈ રહી છે. આ ડીલ ભારતને ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનાવવાની સાથે એક મોટો નિકાસકાર (Exporter) પણ બનાવશે.

પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત-EU FTA(મુક્ત વ્યાપાર કરાર) વહેલી તકે લાગુ કરવા, ગ્રીન હાઇડ્રોજન, મેરીટાઇમ (સમુદ્રી ક્ષેત્ર), રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી, અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં ડચ રોકાણ વધારવા અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ છે.

Related posts

દેશમાં LPG ઉત્પાદન ૫૪% વધ્યું, અમેરિકાથી આવ્યો વધારાનો ગેસ

Master Admin

આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા

Master Admin

રેશન સિસ્ટમમાં પરિવાર દીઠ ૩૫ કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ

Master Admin

Leave a Comment

Translate »