Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો

ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ માર્ચ ૨૦૨૬ — ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૦-૧૦ રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા ઘટાડીને ૩ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

તેનો અર્થ એ છે કે હવે પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા સસ્તા થઇ શકે છે. જોકે રાજ્ય સરકારનો વેટ લાગુ રહેશે. પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૩ રુપિયા હતી અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૦ રૂપિયા પ્રતિ લીટર હતી. જોકે હવે આ એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી રાહત મળી શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. જોકે આ નિર્ણય હવે ઓઈલ કંપનીઓએ કરવાનો રહેશે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે વૈશ્વિક તેલ બજારમાં આવેલા તોતિંગ ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પીપીએસી (PPAC) ના તાજેતરના આંકડા મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬ માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ૬૯.૦૧ ડોલર પ્રતિ બેરલ હતી, જે ૨૪ માર્ચ સુધીમાં વધીને ૧૨૩.૧૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર એક મહિનામાં આશરે ૭૮% નો જંગી વધારો નોંધાયો છે. કાચા તેલના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાએ તેલ કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ વધારવા માટે દબાણ વધાર્યું હતું. પરંતુ સામાન્ય જનતા પર સીધો બોજ નાખવાને બદલે, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને રાહત આપવાનો માર્ગ પસંદ કર્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ૭૦ ડોલરથી વધીને ૧૨૦ ડોલરને પાર પહોંચી ગઈ છે, જેના કારણે વિશ્વના અનેક ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦% થી ૫૦% સુધીનો વધારો થયો છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં કિંમતોમાં લગભગ ૩૦%-૫૦%, ઉત્તર અમેરિકાના દેશોમાં ૩૦%, યુરોપમાં ૨૦% અને આફ્રિકાના દેશોમાં ૫૦% સુધીનો વધારો જોવા મળ્યો છે. દરમિયાન,પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહેલા આંતરરાષ્ટ્રીય કારોબારીઓ પર લગામ કસવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાંથી નિકાસ થતા ડીઝલ અને વિમાનના બળતણ (ATF) પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે.

ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે પેટ્રોલ-ડીઝલ બનાવવું ખર્ચાળ બન્યું છે. કેટલાક કારોબારીઓ ભારતમાંથી સસ્તું ડીઝલ અને ATF મંગાવીને વિદેશી બજારોમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘરેલું બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી આપી હતી. નિકાસ થતા ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૨૧.૫ ની એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવી છે. નિકાસ થતા ATF પર પ્રતિ લિટર રૂ.૨૯.૫ ની એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે. સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘરેલું ઉપયોગમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ.૧૦ નો ઘટાડો કરવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની પેટ્રોલ પંપ પર મળતા ઈંધણના ભાવ પર કોઈ અસર નહીં પડે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયથી ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં અને પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે.

Related posts

પેટ્રોલની નિકાસ પર ૩ વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

Master Admin

ભારતની સિલિકોન વેલી બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી

Master Admin

ગુજરાત તરફ આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત

Master Admin

Leave a Comment

Translate »